ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે ! મોરબીને હિલોળે ચડાવતા ગીતા રબારી

રાસગરબા રમઝટ કાર્યક્રમમાં ગીતા રબારીએ લોકોને મનમૂકીને ડોલાવ્યા

મોરબી : રોણા શેરમાં રે..રોણા શેરમાં રે…ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે… મોરબીના ક્રિષ્ના નવરાત્રી ગ્રાઉન્ડમાં કચ્છના જાણીતા કલાકાર ગીતાબેન રબારીના ગીત શરૂ થતાં જ ઉપસ્થિત જનમેદનીમાં કીકીયારીઓ ગાજી ઉઠી હતી, મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના આંગણે રૂપીમાની મેલડી માતાજીના નવરંગા માંડવાના આયોજનમાં મહેમાન બનેલા ગીતાબેન રબારીએ રાત્રીના રાસગરબાના કાર્યક્રમમાં પોતાના મશહૂર ગીતોની રમઝટ બોલાવી લોકોને મનમૂકીને ડોલાવ્યા હતા.

ગઈકાલે મોરબી કંડલા બાયપાસ પર ક્રિષ્ના મેળાના ગ્રાઉન્ડમાં કચ્છની કોયલ તરીકે પ્રખ્યાત એવા ગીતાબેન રબારી અને યુનુસ શેખના રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારીએ પોતાના નાચો ભાઈ નાચો મૂંઝો મહાદેવ આયો, મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા, સહિતના સુપ્રસિદ્ધ ગીતો ગાઈને ઉપસ્થિત સૌ કોઈને ઝુમાવ્યા હતા તો માલધારી મોરલા તરીકે જાણીતા યુનુશ શેખે પણ સુરતાલની રમઝટ વચ્ચે પોતાના અલગ અંદાજમાં ગીતો રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ બનાવી હતી. આ તકે ઇન્ડિયન આઇડલના ઢોલીડા કાસમ કુંભિયા સહિતના ૩૦ જેટલા સંગીત વાદ્યવાદકોએ સુરોની રમઝટ બોલાવી હતી. રબારી સમાજના ગૌરવ એવા ગીતાબેન રબારીએ આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરીને ગ્રૂપને અભીનંદન પાઠવ્યા હતા.

વધુમાં મોરબીના રબારીવાસમાં નાથુભાઈ નાજાભાઈ ગિડ તેમજ યંગ ઇન્ડિયા ગ્રૂપના પ્રમુખ દેવેનભાઈ નાનુભાઈ ગિડ દ્વારા રૂપીમાંની મેલડી માતાજીના નવરંગ માંડવાનું જાજરમાન આયોજન અંતર્ગત યોજાયેલા આ ક્રાયક્રમમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકોએ આ માંડવામાં ઉપસ્થિત રહીને ધર્મલાભ ગ્રહણ કર્યો હતો. આ તકે દુધરેજના વડવાળા ધામના કોઠારી મહારાજ, દૂધઇના વડવાળા ધામના રામબાલકદાસજી, મેસરિયાની આપાગીગાની જગ્યાના પૂ. બંસીદાસજી બાપુ અને મોટા મૂંજીયાસરની માંડણપીરની જગ્યાના પૂ. નારાદબાપુએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. ગિડ પરિવાર આયોજિત આ રાસગરબા કાર્યક્રમમાં મોરબી ડીસ્ટ્રીક જજ રિઝવાના ઘોઘારી સાહેબ તેમજ પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તેમજ અને મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એનાઉન્સર શૈલેષ રાવલ અને તેમના પુત્રી કામોદ રાવલે કર્યું હતું.