મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના નબળા વર્ગ માટે ૬ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ

સમાજના ઉત્થાન માટે સેવાકીય પ્રવૃતિઓમા હમેશા અગ્રેસર રહેતા ઉમિયા માનવ સેવા ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૨૧૨ પરિવારોને દોઢ કરોડની સહાય કરી : ૧૫૦ નિરાધારો માટે ફાઈવ સ્ટાર માનવ સેવા મંદિર બનાવાશે

મોરબી : મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજના આર્થિક રીતે નબળા ૨૧૨ પરિવારો માટે છેલ્લા ૬ વર્ષથી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ ૬ વર્ષમાં ટ્રસ્ટ દ્વારા દર મહિને આર્થિક જરૂરિયાતો, કપડા, બાળકો માટે શૈક્ષણિક સહાય, મેડિકલ ખર્ચ સહિતની રૂ. દોઢ કરોડની સહાય આપવામાં આવી છે. આ સાથે આગામી સમયમાં જિલ્લાના ૧૫૦ નિરાધાર વૃધ્ધ માટે અનેક સુવિધાઓથી સજ્જ માનવ સેવા મંદિર બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.

મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની પાટીદાર સમાજના નબળા વર્ગના લોકો માટે કરાતી સેવાકીય પ્રવૃતિઓ અંગે ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, પોપટભાઈ ગોઠી, ઠાકરશીભાઈ ક્લોલા, દિનેશભાઇ વડસોલા અને અમરશીભાઈ અમૃતિયાએ જણાવ્યું કે આ ટ્રસ્ટ પહેલેથી જ સમાજ માટે સેવાકીય પ્રવૃતિઓ કરતું આવ્યું છે. પરંતુ ૬ વર્ષ પૂર્વે સીદસરની ઉમિયા માતાજી મંદિરની સંસ્થાએ ગામડાના છેવાડાના લોકોના ઉત્થાન માટે હાલો ભેરુ ગામડે પ્રોજેકટ અમલમાં મુક્યો હતો. તે અંતર્ગત ટ્રસ્ટના લોકો મોરબી જિલ્લાના ગામડે ગામડે ફર્યા હતા અને લોકોનો સંપર્ક કર્યો હતો.

આ વેળાએ ધ્યાનમાં આવ્યું હતું કે પાટીદાર સમાજના આર્થીક રીતે નબળા વર્ગના લોકો દયનિય હાલતમાં જીવન પસાર કરી રહ્યા છે. આથી આ લોકો માનભેર જીવન જીવી શકે તે માટે ૬ વર્ષ પહેલાં વિધવા, ત્યકતા, નિરાધાર સહિતના મોરબી જિલ્લાના ૨૧૨ પરિવારોને ઘેર બેઠા જ તમામ સવલતો પુરી પાડવા માટે સેવાકીય પ્રોજેકટ અમલમાં મુક્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં દર મહિને ૨૧૨ પરિવારોને પરિવાર દીઠ રૂ. ૩ હજારની આર્થિક સહાય, નવા કપડા, વિધવા કે ત્યકતા મહિલાઓ માટે સિલાઇ મશીન અને ગરીબ બાળકોને ભણવા માટે શૈક્ષણીક ખર્ચ તથા મેડિકલ ખર્ચ ઘેર બેઠા પહોંચાડવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં ૨૧૨ પરિવારોને આશરે દોઢ કરોડની સહાય કરવામાં આવી છે. આ સાથે આર્થિક રીતે નબળા લોકોને શિયાળામાં ઘરે જ ગરમ વસ્ત્રો પહોંચાડી દેવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃતિઓ માટે ટ્રસ્ટ કોઈ સામે આર્થિક દાન માટે હાથ લંબાવતી નથી. પરંતુ ટ્રસ્ટે જ એવો નિયમ કર્યો છે કે જે ટ્રસ્ટી નિમાય તેને દર વર્ષે રૂ. ૫૧ હજાર દાન આપવાનું હોય છે. અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા ટ્રસ્ટીપ થયા છે.

જેથી કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર પડતી નથી. આ સાથે આગામી સમયમાં લજાઈના ભીમનાથ મહાદેવ મંદિર પાસે ૧૫૦ નિરાધાર વડીલો માટે ફાઈવ સ્ટાર જેવું માનવ મંદિર બનાવવામાં આવશે. આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓમાંથી પ્રેરાઈને પોરબંદર, બોટાદ અને પડધરીમા પણ પ્રવૃતિઓ શરૂ થઈ હોવાનું જણાવ્યું હતુ.