હળવદ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ

- text


સરપંચ સહિતના આગેવાનો મામલતદાર કચેરી ખાતે ધસી જઈ આવેદન પત્ર પાઠવ્યું

હળવદ : હળવદ પંથકમાં ઓણસાલ નહીંવત વરસાદને કારણે દુકાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે તાલુકાના જુદાજુદા ગામોના ગ્રામજનો દ્વારા પંથકને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મામલતદાર તેમજ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજુઆતો કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી લેખિત રજુઆતોનું પરિણામ માત્ર શુન્ય જ આવ્યું છે. ત્યારે આજે તાલુકા મયાપુરના સરપંચ સહિત આગેવાનો દ્વારા મામલતદારને લેખિતમાં રજુઆત કરી તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ હતી.

- text

જિલ્લા સહિત હળવદ પંથકમાં ચોમાસાની ઋતુ દરમિયાન માત્ર કહેવા પુરતા જ વરસાદી છાંટા પડતા ખેડૂતો, પશુપાલકો સહિતનાઓની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. સાથે જ પંથકમાં વાવેલ ખરીફ પાક પણ નિષ્ફળ જવાની ચિંતા પંથકના ખેડૂતોને કોરી ખાય છે. ત્યારે આજે મયાપુર ગામના સરપંચ કાંતિભાઈ તેમજ ગામના આગેવાનો સહિતનાઓ હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી તાલુકાને દુકાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૮ના વર્ષ દરમિયાન માત્ર એકથી બે ઈંચ વરસાદ પડયું હોવાથી ખેતીના પાકો નિષ્ફળ ગયા છે જેનાથી ખેડૂતો પાયમાલ બન્યા છે. સાથે જ બિયારણ ખાતર અને પશુઓના ઘાસચારા પણ નિષ્ફળ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

- text