વાંકાનેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાની ધામધૂમથી ઉજવણી : શસ્ત્રપૂજન

વાંકાનેર નામદાર મહારાજા દિગ્વિજયસિંહજીની પ્રેરક ઉપસ્થિતિ : પરંપરાગત પોશાકો સાથે રેલી નીકળી શસ્ત્ર પૂજન કરાયું

વાંકાનેર : વાંકાનેરમાં દશેરા નિમિત્તે ક્ષત્રીય સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બપોરના સમયે પોતાના પરંપરાગત પોશાકોમાં સાફા, પાઘડી શસ્ત્રો ધારણ કરી નેશનલ હાઈવે પર આવેલ ગરાસિયા બોડીગ ખાતેથી પગપાળા, અશ્વો અને વાહનોના કાફલા સાથે વાજતે ગાજતે વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહની આગેવાનીમાં રેલી એ નગરયાત્રા કરી પેડક માં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. બજારમાં ઠેર ઠેર આ રેલીનું અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને યુવાનોએ તલવાર રાસ કરી બજારમાં આકર્ષણ ઉભુ કરેલ.

ક્રિકેટ ગ્રાઉન્ડના વિશાળ સમીયાણામાં પહોંચ્યા બાદ યુવરાજ દ્વારા ખીજડા પૂજન બાદ ક્ષત્રીય સમાજે સમૂહમાં શસ્ત્ર પૂજન કરેલ ત્યારબાદ વાંકાનેર કન્યા છાત્રાલય તેમજ રાજપુત સમાજની દિકરીઓ દ્વારા તલવાર રાસ રજુ કરેલ તે આકર્ષણનું કેન્દ્ર રહેલ બાદમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને સીલ્ડ આપી પુરસ્કૃત કરેલ

આ કાર્યક્રમમાં વાંકાનેર નામદાર મહારાજા દિગ્વિજયસિંહજી, યુવરાજ કેસરીદેવસિંહજી, ડેપ્યુટી ડીડીઓ ગોહિલસાહેબ, ડો. જાડેજા સાહેબ ગોકુલ હોસ્પિટલ રાજકોટ, હરદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય, પ્રમુખ વજુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહેલ હતા.