મોરબીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આડેધડ ફટકારાતા દંડ મામલે ગાંધીનગર દોડી જતા સીરામીક ઉદ્યોગપતિઓ

ડસ્ટીંગ અને પોન્ડના સેમ્પલ લેવાને બદલે મનઘડંત દંડ : નવા ગેસીફાયરમાં ટ્રાયલ રનની પ્રથા પણ દૂર કરવા પણ રજુઆત

મોરબી : છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલ્યુશન કંટ્રૉલ બોર્ડ દ્વારા પ્રદુષણ ફેલાવતા અને ગેસીફાયરનો કદડો જાહેરમાં ફેક્તા સીરામીક એકમોને ધડાધડ નોટિસો ફટકારી દંડનીય કાર્યવાહી કરવામાં આવતા આજે જીપીસીબી દ્વારા થતી હેરાનગતિ તેમજ નવા ગેસીફાયરોમાં જટિલતા ભરી ટ્રાયલ રન પ્રથા દૂર કરવા મામલે મોરબી સીરામીક એસોશિએશનની આગેવાની હેઠળ ઉદ્યોગકારો ગાંધીનગર ખાતે રજૂઆત માટે દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક હબ મોરબીમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કડક તેવર બતાવવાનું શરૂ કરવામાં આવતા આજે મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જીપીસીબીમાં રજૂઆત માટે દોડી ગયું હતું, આ મામલે પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું કે હાલમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રૂટીન મુજબ થતી ચકાસણીમાં સેમ્પલ લેવાને બદલે મનઘડંત રીતે ડસ્ટીંગ અને પોન્ડના મનપડે તેવા રિપોર્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે પરિણામે સીરામીક ઉદ્યોગની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાનું જણાવાયું હતું.

સૌથી અગત્યની બાબતે રજુઆત કરતા સીરામીક એસોસીએશને જણાવ્યું હતું કે હાલમાં નવા ગેસીફાયરોની મંજૂરી પ્રક્રિયામાં જટિલતા ભરી પ્રણાલી છે જેમાં ફરજીયાત પણે ટ્રાયલ રન નો નિયમ અમલી બનાવાયો છે હકીકતમાં અનેક એકમોમાં એક જ પ્રકારના અને એક જ કંપનીના ગેસીફાયર ઉપયોગમાં લેવાતા હોય ત્યારે આવી ટ્રાયલ રનની પ્રક્રિયાને કારણે જીપીસીબીનો તથા ઉદ્યોગકારોનો સમય અને નાણાંનો વ્યય થતો હોય આ પ્રથા બંધ કરાવવા માંગ ઉઠાવ્યું હતું.

જો,કે જીપીસીબીના અધિકારીઓ દ્વારા ટ્રાયલ રન ની મંજૂરી બાબતે હાલમાં મામલો એનજીટી સમક્ષ પડ્યો હોય કોઈ ફેરફાર થી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું, સાથે સાથે સીરામીક એસોશિએશન દ્વારા થયેલી રજૂઆત અંગે યોગ્ય ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.