વાંકાનેરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટર

- text


સરકારી હોસ્પિટલ માંદગીના બિછાને મેજર ઓપરેશનની તાતી જરૂરિયાત :  નવ ડોક્ટરની જગ્યાઓ ખાલી

વાંકાનેર : મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકો મોટો હોય અને આ તાલુકા અંતર્ગત ૧૦૨ ગામડા આવે છે તાજેતરમાં ઝાડા-ઉલટી-તાવ જેવી ઋતુજન્ય બીમારીઓ અને સ્વાઇન ફ્લૂએ પણ વાંકાનેરમાં દેખા દિધી હોય ઉપરાંત મિશ્રઋતુએ પણ રોગચાળો ફેલાવ્યો હોય વાઈરલ ઇફેક્ટ કેસોના અનેક દર્દીઓ સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરની અધતન ચાર માળની હોસ્પિટલમાં અનેક સાધન સુવિધાઓ હોવાં છતાં ફક્ત બે ડોક્ટરોની જગ્યા ભરાયેલ છે જેમાં રૂટીન મુજબ માત્ર એક જ ડોક્ટર એક સમયે હાજર હોય વ્યવસ્થા જળવાતી નથી આ હોસ્પિટલમાં નવ ડોક્ટરની જગ્યાઓ ખાલી છે ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પણ ખાસી એવી જોવા મળે છે જેની સંભાળ રાખવા માટે ૪૦ નર્સ સ્ટાફની સામે માત્ર ૮ નર્સ સ્ટાફથી હોસ્પિટલ ચાલી રહી છે. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ડિલીવરી માટે દાખલ થાય છે પરંતુ ગાયનેક ડોક્ટર ન હોવાં છતાં હોસ્પિટલ સ્ટાફ મહિને અંદાજે ૧૫૦ થી વધુ સફળ ડીલીવરી કરી રહ્યો છે ત્યારે એક ગાયનેક ડોક્ટરની તાતી જરૂરિયાત વર્તાય છે આમ આવડી મોટી તાલુકા કક્ષાની હોસ્પિટલમાં સ્ટાફની કમીના કારણે દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને કેટલી મુશ્કેલીઓ ભોગવી પડતી હશે? તે સમજી શકાય તે સ્વાભાવિક છે.

- text

આ ઉપરાંત સરકારી દવાખાને ચાર એમ્બ્યુલન્સ વચ્ચે ફક્ત એક જ ડ્રાઈવર હોય દર્દીઓને રાજકોટ રીફર માટે ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે અવાર નવાર આ બાબતે રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ કેમ ડ્રાઇવરોની ભરતી કરતું નથી તે તપાસનો વિષય છે. મેનેજમેન્ટ દ્વારા રસોયાની ભરતી કરવામાં આવેલ ન હોય હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ દર્દીઓને ભોજનની કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી આ દર્દીઓને પીવાનું પાણી પણ બહારથી મંગાવવું પડે છે કારણ ફ્રીજ બંધ હાલતમાં છે આમ મેનેજમેન્ટ સ્ટાફ ઉપકરણોની જાણવણી પણ વ્યવસ્થિત રીતે ન કરતું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

આ અદ્યતન હોસ્પિટલની નવી બિલ્ડીંગનો પ્રારંભ થોડા સમય પહેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયેલ ત્યારે વાંકાનેર શહેરમાં ઠેરઠેર તેમનું સ્વાગત કરવામાં આવેલ જે સ્વાગતમાં શહેર અને તાલુકાના ગામના લોકો સરકારી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ને શુભેચ્છા પાઠવવા હાજર રહ્યા હતાં ત્યારે આ તાલુકાની પ્રજાએ સરકારી હોસ્પિટલની આધુનિક સુવિધાઓને કારણે ઘણી અપેક્ષાઓ રાખી હતી જે અપેક્ષાઓથી હોસ્પિટલની હાલ વિપરીત દશા છે જેમાં ખાસ તો સ્ટાફની કમીના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

- text