જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબીમાં કોંગ્રેસની ખેડૂત મહારેલી

- text


મોરબી : મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોની આગેવાનીમાં મોરબીમાં ખેડૂત મહારેલી યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ભાજપ સરકાર હાય – હાયના નારા લગાવી તાકીદે પીવા તથા સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા કરી પશુ માટે ઘાસચારો અને ખેડૂતોના દેવા માફ કરી પાકવીમો ચૂકવવા માંગ કરતુ આવેદનપત્ર પાઠવ્યું હતું.

ચાલુ વર્ષે મોરબી શહેર અને જિલ્લામાં સરેરાશ સિઝનભરમાં માત્ર સાતેક ઈંચ જેટલો વરસાદ જ વરસ્યો હોવાથી પીવા અને સિંચાઈના પાણી પ્રશ્ને દેકારો બોલી ગયો છે, છતાં સરકાર દ્વારા મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા આજે કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા,વાકાંનેરના ધારાસભ્ય પીરઝાદા, હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા સહિતના આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો કાર્યકરો ઉપરાંત હજ્જારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

- text

આ તકે, મોરબી – માળીયા (મિં) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના જણાવ્યુ હતું કે મોરબી જિલ્લાના ખેડૂતો અને માલધારીઓના પાક વીમો, સિંચાઈ, દેવું માફ, ઘાસચારો જેવા પ્રશ્નો બાબતે આજે મહારેલીનું આયોજન કરાયું છે જેમાં મોરબી શહેર – જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે અને લોક પ્રશ્નને વાચા આપી રાગદ્વેષ રાખતી સરકાર સામે અમારો આ વિરોધ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હળવદ અને માળીયા તાલુકામાં તો ફક્ત ચાર ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે અને ખેડૂતોના મોંઘાભાવના બી-બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો છે ત્યારે ગુજરાત સરકાર સત્વરે સમગ્ર મોરબી જિલ્લાને દુષ્કાળ અછતગ્રસ્ત જાહેર કરી જિલ્લના પીવાના પાણી, ઘાસચારો અને રોજગાર માટે રાહતકાર્યો શરૂ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી હતી.

- text