મોરબી ATM ફ્રોડ કેસમાં માણસાનો પોપટ પોલીસના પિંજરે

એટીએમ છેતરપિંડી કેસમાં મોરબી એ ડિવિઝન પોલીસને સફળતા ત્રીજા આરોપીને પકડી પાડ્યો : ત્રિપુટી છ વખત મોરબી આવી નાણાં ઉપાડી ગઈ હતી

મોરબી : મોરબી – જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લામાં એટીએમ કાર્ડ ધારકની જાણ બહાર ડુપ્લીકેટ એટીએમ બનાવી લાખો રૂપિયા તફડાવી લેનાર હરિયાણાના બે શખ્સોની રિમાન્ડ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચોકવનારી કબૂલાત મેળવી આ ફ્રોડ કેસમાં સંડોવાયેલ માણસાના દીપ ઉર્ફે પોપટ સુરેશ પટેલને ઝડપી લઈ ત્રિપુટીના કરતૂતો ખુલ્લા કર્યા છે. રિમાન્ડ દરમિયાન ભેજા બાજ ગઠિયા મોરબી આવી છ વખત વોરાબાગ નજીકના એટીએમમાંથી નાણાં ઉપાડી ગયાનો ઘટસ્ફોટ પણ થયો છે.

મોરબી શહેર જિલ્લાના ૪૩ લોકોના એટીએમ પાસવર્ડ મેળવી લઈ રૂપિયા રૂપિયા ૨૪,૬૬,૧૦૦ ની છેતરપિંડી કરનાર હરિયાણાના બે ગઠિયાસંદીપ રાજેન્દ્રભાઇ કૌશીક અને શાંતનું વિક્રમ અજય વિક્રમ શર્માને જુનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ મોરબી પોલીસે બન્ને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં આ ચીટિંગ કરવામાં ગાંધીનગર જિલ્લાના માણસ ગામનો દીપ ઉર્ફે પોપટ સુરેશ પટેલ ઉ.28 સંડોવાયેલ હોવાની બન્નેએ કબૂલાત આપતા મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ ચૌધરીની સૂચનાથી ડી.સ્ટાફના હેડકોન્સ્ટેબલ રસિકભાઈ,નિર્મલસિંહ તથા પો.કો.અજિતસિંહે માણસ ખાતેથી પોપટ પટેલને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

વધુમાં આ ત્રિપુટીએ ચોકવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે ચિટિંગ કરવા માટે ચાઇનાથી ખાસ મશીન મંગાવ્યું હતું જે એટીએમમાં ફિટ કરી દીધા બાદ કોઈ પણ એટીએમનો ડેટા મેળવી લઇ બાદમાં ડુપ્લીકેટ એટીએમ બનાવી લેતા અને એટીએમ ધારકો પાસેથી હોશીયારીથી પાસવર્ડ મેળવી લઈ નાણાં ઉપાડી લેતા હોવાનું અને મેં તથા જૂન માસમાં પાંચથી છ વખત મોરબીમાં આવી ને વોરાબાગ નજીકના એટીમમાંથી પણ ખાતાધારકોની જાણ ભાર નાણાં ઉપાડ્યાનું કબુલ્યું હતું.આમ, મોરબી પોલીસની તપાસ દરમિયાન એટીએમ ફ્રોડ થકી લાખો રૂપિયા ઉપાડી લેનાર ત્રિપુટીનો ખેલ ખુલ્લો પડ્યો છે.