માળીયાના મોટા દહીંસરા ગામે આજે પણ ગવાઈ છે ઈશ્વર વિવાહ

સાડાત્રણ કલાક સુધી ગામના પુરુષો પ્રાચીન સંસ્કૃતિ જાળવવા ઈશ્વર વિવાહના તાલે રાસ રમે છે

માળીયા : મોરબી જીલ્લા ના માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રાજાશાહી સમયથી નવરાત્રી મહોત્સવ દરમ્યાન ત્રણથી સાડા ત્રણ કલાક સુધી ચાલતા ઈશ્વરવિવાહ રાસ લેવામાં આવે છે.

ભક્તિભાવ ભર્યા માહોલમાં એક તરફ ઈશ્વરવિવાહ ગાયનને દેશી વાંજીત્રોના સુરતાલ સાથે ગાયકો દ્વારા ગાવામાં આવે છે અને સુર તાલ સાથે રાસ લેતા ખેલૈયાઓ ઝીલતા હોય છે.લયબધ્ધ સુરતાલ સાથે લેવાતા આ રાસમા ગ્રામજનો કુંડાળા સ્વરુપે રાસ લેતા જોવા તે પણ એક લ્હાવા સમાન છે કેમ કે આજના ઝાકમઝોળ અધ્યતન પશ્ચીમી ઈન્સ્ટ્રુમેન્ટ ,ડીજેના જમાનામાં આવો નજારો જવલ્લે જ જોવા મળે છે.

ગામના આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષો પુર્વે ચાર – ચાર દીવસ સુધી ચાલતા ઈશ્વર વિવાહ માં દેવાધીપતિ દેવ મહાદેવજી ના સગપણનું માંગુ લઈ દક્ષ પ્રજાપતિના દરબાર મા જતા નારદજી, માં ભવાની, પાર્વતીજીના સગાઈ પ્રસંગ બાદ શિવ વિવાહનુ આયોજન, નિમંત્રણ, તૈયારીઓ, જાનૈયાઓ સહીત વિવિધ માહત્મયને પંડીત દેવીદાનજી રચીત ઈશ્વર વિવાહમાં સમવાયું હોય ઈશ્વર વિવાહ સાંભળવાથી પણ દૈવી અનુભૂતિ થાય છે.

નાના એવા દહીસરા ગામનાં મોમાઈ ગરબી મંડળ દ્વારા મોમાઈ માતાજી, રાધાક્રીષ્ન મંદીર પાસે પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભકિત અને શકિતનાં મહાપર્વ ને ઈશ્વર વિવાહ માહ્ત્મય ગાન કરવામાં આવે છે. અને આ પ્રસંગને માણવા મોરબી, માળીયા પંથક સહીત દુર સુદુર થી લોકો અનેરી આસ્થા શ્રધ્ધા ભકતિભાવ સાથે આવે છે.

નાના એવા દહીસરા ગામે પરંપરાગત રીતે યોજાતા નવરાત્રી મહોત્સવમા પ્રતિવર્ષ ઈશ્વર વિવાહ રાસનુ આયોજન કરવામાં આવે છે સમગ્ર આયોજનમાં મોમાઈ ગરબી મંડળના પ્રમુખ કીરીટસિંહ, ઉપપ્રમુખ જનકસિંહ, ભરતસિહ, ગજેન્દ્સિંહ, ઘનશ્યામસિંહ સહીત ગ્રામજનો સતત જહેમત ઉઠાવી રહયા છે.