પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે, મોરબીમાં 30 વર્ષથી ગરબીમાં ગવાય છે પ્રાચીન ગરબા

આધુનિક ટેક્નોલોજીને બદલે હજુ પણ બાળાઓ ઢોલ, ત્રાંસા અને શરણાઈના સુરે રમે છે ગરબા

મોરબી : આજના સમયમાં નવરાત્રી એટલે ઘોંઘાટ….. માતાજીના ગરબાને બદલે ન સમજાય તેવા ગીતો વગાડી મન પડે તેમ આમ તેમ કુદકા મારવાનો ટ્રેન્ડ બધે જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વરિયા પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા આજે પણ પૌરાણિક સંસ્કૃતિને જાળવી રાખી માં નવદુર્ગાની ભક્તિ કરવામાં આવે છે.

મોરબીના સો ઓરડી નજીક આવેલ વરિયા પ્રજાપતિ ગરબી મંડળ આયોજિત ગરબીમાં નવરાત્રીમાં દરરોજ બાળાઓ પ્રાચીન ગરબા કે જે ગરબામાં ખરા અર્થમાં માં શક્તિની ભક્તિ અને આરાધના માટે લખાયેલ છે તેવા ગરબા ગાવામાં આવે છે સાથે દુહા અને છંદની પણ રમઝટ બોલાવી તમામ ધર્મના લોકો સાથે મળી માં આરાસુરી અંબામાની ભક્તિ કરે છે.

વરિયા પ્રજાપતિ ગરબી મંડળના કાર્યકર રમણીકભાઈ બરાસર કહે છે કે અહીં છેલ્લા ત્રીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે, દરરોજ માતાજીની આરતીથી ગરબીની શરુઆત થાય છે અને શાસ્ત્રોમાં લખાયેલા પ્રાચીન ગરબાને ઢોલ અને ત્રાસના તાલે ગાવામાં આવે છે. ઉપરાંત આ ગરબીમાં ખોટા ભભકા કે ઝાકમજોળને બદલે માતાજીની આરાધના કરવાનું ભક્તજનોનું મુખ્ય ધ્યેય છે અને દરરોજ સેંકડો લોકો અહીં પધારી હર્ષભેર માતાજીની આરાધના કરી ભાવ વિભોર બને છે.