મોરબીમા ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં ન આવતા વૃધ્ધા દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ

દબાણ દૂર કરવા અધિક કલેક્ટરે હુકમ કર્યો હોવા છતાં મામલતદાર દ્વારા તેનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીમા ગેરકાયદેસર બાંધકામ હટાવવાનો અધિક કલેક્ટરે આદેશ કર્યો હોવા છતા મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલા આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના ઈન્દીરાનગરમાં ઉજીબેન પરમારે ગેરકાયદેસર દબાણને તંત્ર દ્વારા હટાવવામાં ન આવતા આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેઓના જણાવ્યા મુજબ રાજા મનજી પરમાર અને હરેશ રાજા પરમારે ચાર ઓરડીનું ગેરકાયદે બાંધકામ કર્યું છે. જે દૂર કરવા માટે અધિક કલેક્ટરે મામલતદાર નયનાબેન રાવલને હુકમ પણ કર્યો હતો. તેમ છતાં આ મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મહિલાએ આ મામલે કાર્યવાહી કરવા માટે અગાઉ ૧૦ દિવસનો સમય આપ્યો હતો. જે સમય પૂર્ણ થઈ ગયો હોય ત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હોવાથી અંતે વૃધ્ધાએ ચીમકી મુજબ મામલતદાર કચેરીએ પહોંચીને કેરોસીનથી જાત જલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અગાઉથી જ તૈનાત પોલીસે વૃધ્ધાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.