સત્રાંત પરીક્ષા અંગે સરકારના મનસ્વી પરિપત્રથી મોરબી શિક્ષક સંઘ લાલઘૂમ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરિપત્ર રદ્દ કરવા માંગ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોનો મન પડે તેમ ઉપયોગ કરી ગમે ત્યારે ગમે તેવા પરિપત્ર કરી નાખવામાં આવતા હોય તાજેતરમાં સત્રાંત પરીક્ષા ૨૦૧૮ ને લઈ વિવાદિત પરિપત્ર કરતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પરિપત્ર રદ્દ કરવા માંગણી ઉઠાવી છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરાડવાના જણાવ્યા મુજબ તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે થયેલ સંત્રાત પરીક્ષા – ૨૦૧૮ નો પરિપત્ર રદ કરવા માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને ધારદાર રજુઆત કરેલ છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગ દ્વારા વિસંગત અને કાર્યબોજ વધારતા પરિપત્રો થતા રહ્યાં છે,જેના કારણે શિક્ષક સમાજમાં એક રોષપૂર્ણ વાતાવરણનું સર્જન થયેલ છે.

તાજેતરમાં થયેલ સત્રાત પરીક્ષા -૨૦૧૮ માં બાહ્ય મૂલ્યાંકન,સુપરવિઝન,
માત્ર ત્રણ જ દિવસમાં તમામ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની ઓનલાઇન ડેટા એન્ટ્રીના આદેશો થયેલ છે. વળી શિક્ષકોને અનેક પ્રકારના મેળાવડાઓ, ઉત્સવો, બિનશૈક્ષણિક કામગીરીઓ, મતદાર યાદીની કામગીરીઓ જેવી અનેક વધારાની કામગીરીઓ સોંપી દેવામાં આવે છે જે પ્રાથમિક શિક્ષણના હિત માટે યોગ્ય ગણી શકાય નહીં.

આ ઉપરાંત સત્રાંત પરીક્ષાનો પરિપત્ર શિક્ષકોના કાર્ય પરત્વે શંકા ઉપજાવનારો છે. શિક્ષકોની કામગીરી પર વિશ્વાસ અને ભરોસો જળવાઈ રહે તે જોવાની જવાબદારી સૌની છે આ પ્રકારના પરિપત્રો શિક્ષકોની કાર્યશક્તિ અને કાર્યદક્ષતા ઘટાડનારા તેમજ તેમના મનોબળને તોડનાર બની રહેશે, માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સંત્રાત પરીક્ષા -૨૦૧૮ના આ પરિપત્રનો વિરોધ કરી તેને રદ કરવાની માંગ કરે છે. તેમજ અન્ય વધારાની કામગીરીઓમાંથી શિક્ષકોને મુક્ત કરવાની પણ માંગ કરે છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી વેકેશન ખૂલતાની સાથે જ શાળાઓમાં પરીક્ષાઓ શરૂ કરવાની સૂચનાઓ થયેલ છે. રજાઓ બાદ તરત જ પરીક્ષાઓમાં બેસવાનું નાના બાળકો માટે મુશ્કેલભર્યું બની રહેશે જે બાબત પણ ગુણવતા ઘટાડનારી બની રહેનાર હોવાનું રજુઆતમાં જણાવ્યું છે.