મોરબીમાં રસ્તા પહોળા કરવા હથોડો વિંઝાશે : ડીમાર્કેશન ચાલુ

- text


ટ્રાફિક સમસ્યા નિવારવા સનાળા રોડ, રવાપર રોડ, કેનાલ રોડ, પંચાસર રોડ સહિતના માર્ગો પરના બાંધકામો તૂટશે

મોરબી : મોરબી શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા અંતે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પહોળા કરવા ઓપરેશન તોડ – ફોડ શરૂ કરવા શનાળા રોડ, રવાપર રોડ, કેનાલરોડ, લીલાપર રોડ, પંચાસર રોડ, વિશિપરા ફાટક સહિતના વિસ્તારોમાં રોડની માધ્યરેખાથી ડીમાર્કેશન શરૂ કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં આવા ગેરકાયદે બાંધકામો પર હાથોડા વિંઝવા સિવિલ એન્જીનીયર સહિતના સ્ટાફની ટીમને મેદાને ઉતારી છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા મુજબ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કેનાલરોડ લીલાપર રોડથી રવાપર રોડ ચોકડી તથા શનાળારોડ બાયપાસ થઈને વાવડી ગામ સુધી જતી મરછુ – ર બંધની કેનાલની બન્ને બાજુ સુચિત ૧૫ મીટર અને ૧પ મીટર રોડના ડીમાર્કેશન કરવા તથા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા ઓર્ડર કરવામાં આવ્યો છે અને ગઈકાલથી આ કાર્યવાહી શનાળા રોડ પર શરૂ કરવામાં આવી છે.

એ જ રીતે ભક્તિ નગર સર્કલથી નવા બસ સ્ટેશન સુધી સુચિત ૩૦ મીટર રોડ હોય તે રોડના સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરવા. તથા નવા બસ સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી સુચિત ર૪-મીટર રોડ હોય તે રોડના સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરવા અને દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા લેખિત ઓર્ડર કરવામાં આવ્યો છે.

- text

ઉપરાંત નવા બસ સ્ટેન્ડ સામે શનાળા રોડથી રવાપર રોડ સુધી રેકર્ડ મુજબના બિનખેતીના નકશામાં દર્શાવેલ બાંધકામ રેખા સુધી સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરવા તથા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા તેમજ સિવિલ હોસ્પિટલ ચોકથી રવાપર રોડ એવન્યુ પાર્ક સુધી સૂચિત ૧૮ મીટર રોડ હોય, જેથી સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરવા તથા એવન્યુ પાર્કથી અવની ચોકડી સુધી સુચિત ર૪ મીટર રોડ હોય જેથી સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરી દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકા દ્વારા લાતી પ્લોટના છેડાથી પંયાસર રોડ અને કપિલા હનુમાન મંદિરના છેડાથી વાવડી રોડ સુચિત ૪૦ મીટર રોડ પોહોળા હોય, જેથી સેન્ટરથી ડીમાર્કેશન કરવા તથા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી, વી.સી ફાટકથી કુબેરનગર સુધી સુચિત ૧૮ મીટર રોડની પોહોળાઇ હોય અને સેન્ટમેરી સ્કુલ પાસે રેલ્વે ફાટકથી નવલખી બાયપાસ સુધી સુચિત ૨૪ મીટર રોડ હોય જેથી સેન્ટરથી બંને બાજુ ડીમાર્કેશન કરવા તથા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત ડીમાર્કેશન અને દબાણ હટાવો કામગીરી ચીફ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ કરવા (૧) ધર્મેશભાઈ સોનગરા મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર (૨) ધીરુભાઈ સુરેલીયા સિવિલ એન્જીનીયર (૩) હરેશલાઈ એલ. પટેલ એન્જીનીયર (૪) મહાવીરસિંહ જાડેજા હાઉસ ટેક્ષવિભાગ (૫) એસ.વાય.માથકીયા સર્વેયર, ટી.પી. શાખા તેમજ (૬) જે.આર.સોરઠીયા સર્વેયર, ટી.પી. શાખાને હુકમ કરવામાં આવતા સોમવારથી જ નગરપાલિકાની ટીમ ડીમાર્કેશનની કામગીરી શરૂ કરી દીધી છે.

- text