મોરબી યાર્ડમાં કપાસની ધૂમ આવક : મગફળીમાં રોવાનો વારો

ખેડૂતોને મગફળીમાં પૂરતા ઉતારા અને ભાવ ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ

મોરબી : ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનિય બની છે, જો કે,કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પાણીના અભાવે કપાસ ઉઘડવા મંડતા મોરબી યાર્ડમાં કપાસની ધૂમ આવક ચાલુ થઈ ગઈ છે, સમાપક્ષે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને યોગ્ય ઉતારા પણ નથી મળ્યા અને મગફળીના ભાવ પણ પુરા ન મળતા હોય ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ૧૦ સપ્ટેમ્બરથી નવા કપાસની આવક ચાલુ થઈ ગઈ છે અને પહેલા ૨૫ થી ૩૦ કવીન્ટલ આવકની સામે ૧ ઓક્ટોબરથી દૈનિક ૫૦૦ કવીન્ટલની આવક છે. અને ખેડૂતોને પ્રતિ મણ કપાસના ભાવ સરેરાશ ૧૧૦૦ થી લઈ ૧૧૭૦ ઉચાભાવ મળી રહ્યા છે.

બીજી તરફ ઓણસાલ મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે કારણ કે, ચાલુ વર્ષે વરસાદના અભાવ ઉપરાંત કુદરતી કોપને કારણે જે ખેડૂતને વિધે ૨૫ થી ૩૦ મણ કરતા પણ વધારે ઉતારા આવતા હતા તેવા ખેડૂતોને વિધે માંડ ૧૦ મણ જેટલા ઉતારા આવ્યા છે. આ ઉપરાંત મગફળીના ભાવ પણ પ્રતિમણના રૂ ૬૦૦ નીચાભાવ અને ઉંચામાં ૯૩૩ રૂપિયા પ્રતિમણ ભાવ મળી રહ્યો છે. સમાપક્ષે મગફળીની આવક પણ ૨૫ થી ૫૦ કવીન્ટલ અને ગઈકાલે એક દિવસમાં ૧૦૦ કવીન્ટલ આવક થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.