રાજ્યભરમાં પરપ્રાંતિયો ઉપર હુમલાની ઘટના વચ્ચે ઔદ્યોગિક નગરી મોરબી બન્યું એકતાની મિશાલ

સવા લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો અને સ્થાનિક લોકો હળી મળી રહે છે

મોરબી : એકતરફ હિંમતનગરના ઢુંઢરની જઘન્ય ઘટનાને પગલે રાજ્યભરમાં પરપ્રાંતીય શ્રમિકો ઉપર હુમલાની ઘટનાઓ વધી છે ત્યારે સીરામીક હબ મોરબીમાં સવા લાખથી વધુ શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા હોવા છતાં કોઈપણ અનિચ્છનીય બનાવો બન્યા નથી ઉલટું સ્થાનિક અને પરપ્રાંતીય શ્રમિકો રાજ્યમાં બની રહેલી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી આવા કૃત્યોને વખોડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક નગરી મોરબીમાં અંદાજે સવાલાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો રોજી રોટી મેળવી રહ્યા છે, જેમાં કેટલાક શ્રમિકો તો મોરબીને જ પોતાની કર્મભૂમિ બનાવી ઘર પરિવાર સાથે સ્થાયી પણ થી ગયા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઢુંઢરની ઘટનાને પગલે પરપ્રાંતીય શ્રમિકો ઉપર હુમલાની ઘટનાઓ ઘટી છે પરંતુ આવી ઘટનાઓની કોઈ જ અસર મોરબીમાં થવા પામી નથી. ઔદ્યોગિક નગરી મોરબીએ એકતાની મિશાલ પુરી પાડી છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશ ઊંઘરેજાએ રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકો ઉપર થઇ રહેલ હુમલાની ઘટનાઓને વખોડતા કહ્યું હતું કે મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજે સવાલાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે એ ઉપરાંત સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉદ્યોગમાં કામ કરી રહ્યા હોવા છતાં મોરબીમાં ક્યારેય આવા કિસ્સા બનતા નથી અને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો હળીમળી કામ કરી રહ્યા છે.વધુમાં મુકેશભાઈ ઊંઘરેજાએ ઉમેર્યું હતું કે નિર્દોષ પરપ્રાંતીય શ્રમિકો પર થી રહેલા હુમલા સંદર્ભે સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ નહીં તો ઉદ્યોગોને ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન થઇ શકે તેમ છે.

જો કે, પરપ્રાંતીય શ્રમિકો પણ મોરબીમાં બિલકુલ શાંતિ હોવાનું જણાવી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી મોરબીમાં રહી રોજગારી મેળવતા રામનારાયણ સિંહે જણાવ્યું હતું કે મોરબીમાં અમે ભાઈચારાથી રહીએ છીએ, એ જ રીતે ધીરુભાઈ ડોડિયાએ પણ ઉમેર્યું હતું કે ક્યારેય પણ અમારે હિન્દીભાષી શ્રમિકો સાથે અણ બનાવ બન્યા નથી અને સાથે મળીને જ અમે કામ કરીએ છીએઆમ, રાજ્યભરમાં પરપ્રાંતીય શ્રમિકો ઉપર હુમલાની ઘટનાની વચ્ચે મોરબીમાં શાંતિના માહોલ જાળવી સ્થાનિકો અને પરપ્રાંતીયો તોફાનીઓને શાંતિનો સંદેશો આપી રહ્યા છે.