માળીયામાં બોગસ તબીબ સામે ગુન્હો નોંધાયો : એક વર્ષ પહેલાં બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હતું

- text


એક વર્ષ પૂર્વે દર્દીનું મોત નિપજ્યા બાદ હાલની તપાસમાં સારવાર આપનાર ડોકટર બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો

માળીયા : માળિયામા બોગસ ડોકટરની બેદરકારીભરી સારવારથી દર્દીનું મોત થયું હોવાનો ગુનો નોંધાયો છે. જો કે દર્દીનું મોત એક વર્ષ અગાઉ થયું હતું. ત્યારે આ મામલે ચાલી રહેલી તપાસમાં ડોક્ટર પાસે ડીગ્રી જ ન હોવાનો ઘટસ્ફોટ થતા તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામાં રહેતા ગુલશનબેન કરીમભાઈ જામે માળીયા મેઈન રોડ પર ખાનગી ક્લિનિક ધરાવતા ડો. નિજામખાન નાથુખાન ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ કરીમભાઈ જામનું આ ડોક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું હતું. તા. ૧૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કરીમભાઈને તાવ આવતો હોવાથી તબીબના ઘરે સારવાર લેવા ગયા હતા. જ્યા તબીબે ત્રણ લાલ કલરના ઇન્જેક્શન આપીને ગોળીઓ ખવડાવી હતી. બાદમાં કરીમભાઈનું મોત નીપજ્યું હતું.

- text

દર્દીના પત્નીની ફરિયાદના આધારે માળીયા પોલીસે અકસ્માતે મોત થયું હોવાની ફરિયાદ નોંધી હતી. આ મામલે પી.એસ.આઈ જે.ડી. ઝાલાએ જણાવ્યું કે આ કેસમાં પોલીસને તબીબ પાસે ડીગ્રી છે કે કેમ તે અંગે શંકા ઉદભવી હતી. જેથી પોલીસે મેડિકલ કાઉન્સિલમાં તપાસ કરાવતા એમઈબીએસ (મધ્યમાં ઈન બરોડા સ્ટેટ) ની ડીગ્રી ધરાવતો હોવાનું ખુલ્યું હતું. આ ડિગ્રીના આધારે તે પ્રેક્ટિસ કરી શકે તેમ ન હોવા છતા આ તબીબ પ્રેક્ટિસ કરતો હતો. ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે આ ડીગ્રી સરકારે રદ પણ કરી નાખી છે. આમ ડોકટર પાસે ડીગ્રી ન હોવાથી મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે બોગસ તબીબ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text