વાંકાનેરના ચંદ્રપુરની મોહંમદી લોકશાળાને રાજ્યકક્ષાની બોલબેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના ચાર વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામની મોહંમદી લોકશાળાએ રાજ્ય કક્ષાની બોલબેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આણંદ જિલ્લાના ધુવારણની વિદ્યુતબોર્ડ વિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાની અન્ડર -૧૯ બોલબેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમા વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મોહંમદી લોકશાળાની ભાઇઓ અને બહેનોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

આ બન્ને ટીમોમાંથી અર્ષદ શેરસિયા, આદિલ કડીવાર, માલકીયા હિના અને ચૌહાણ રેનિશાની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે. હવે આ ચારેય વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીઓ તેમજ કોચ આઈ.એ.બાદી તથા સહાયક એસ.એ.બોરડીવાળાને આચાર્ય માથકિયાએ અભીનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ શાળાના ૯ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી હતી.