અહંકાર, અભિમાન, કુસંપ અને કુસંગથી માણસ દુઃખી થાય છે : પૂ.સંકલ્પદાસજી સ્વામી

મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા યુવા અધિવેશન યોજાયું : હજારો લોકોએ પૂ. સંકલ્પદાસજીની અભૂતપૂર્વ વાણીનો લાભ લીધો

મોરબી : અહંકાર, અભિમાન, કુસંપ અને કુસંગથી માણસ દુઃખી થાય છે તેમ મોરબી ખાતે SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલા યુવા અધિવેશનમાં પૂ. સંકલ્પદાસજી સ્વામીએ જણાવ્યું હતું. આ અધિવેશનમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને પૂ. સંકલ્પદાસજી સ્વામીની વાણીનો લાભ લીધો હતો.

મોરબીના રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે SMVS સ્વામીનારાયણ મંદિર દ્વારા યુવા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં જિલ્લા કલેક્ટર માકડીયા, ડીડીઓ ખટાણા તેમજ ડોક્ટરો, સીરામીક એસોસિએશનોના પ્રમુખો અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવોએ તેમજ હજારોની સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી.

યુવા અધિવેશનમાં પૂ. સંકલ્પદાસજી સ્વામીએ જણાવ્યું કે અહંકાર, અભિમાન, કુસંપ અને કુસંગ આ દુઃખી થવાના કારણો છે. જો માણસ આ દુષણો છોડી દે તો કોઈ પ્રકારનું દુઃખ રહે જ નહી. તેઓએ વધુમાં કહ્યું કે બાળકોને સંસ્કાર આપવાનું કામ વડીલોનું છે. સયુંકત કુટુંબમાં રહેતા પરિવારો બાળકોને સારી રીતે સંસ્કાર આપી શકે છે.

પૂ. સંકલ્પદાસજી સ્વામીએ કહ્યું કે આજના સમયમાં ઘરોમાં ભૌતિક સુવિધાઓ વધી છે. પરંતુ સામે સુખ અને શાંતિ જતી રહી છે. સાસુ- વહૂ અને સગા ભાઈઓના ઝઘડાનું પ્રમાણ પણ વધ્યુ છે. નજીવી બાબતે વારંવાર ઝગડા થતા હોય છે. જો માણસ નમતા શીખી જાય તો દુઃખ અને ઝઘડા રહેશે જ નહી.

તેઓએ વધુમાં ઉમેર્યું કે ઘરમાં વાસણ ખખડતા હોય જ છે. પરંતુ આ વાસણ તૂટવા ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવુ. વ્યક્તિના જીવનમાં નાની નાની વાતની બંધાયેલી ઘણી ગાંઠો હોય છે. તે ગાંઠો છૂટી જાય તો માણસ હળવાશ અનુભવી શકે છે.

વધુમાં પૂ. સંકલ્પદાસજી સ્વામીએ મોબાઈલ વિશે કહ્યું છે. હાલના સમયમાં મોબાઈલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ખરેખર આ ઉપયોગ છે જ નહીં આ તો ગેરઉપયોગ છે. મોબાઈલ એ માણસનો સૌથી મોટો કુસંગ છે. મોબાઈલના કારણે ઘર અને સમાજનું વાતાવરણ બગડ્યુ છે.