તળાવ કૌભાંડમાં વધુ બે કૌભાંડિયાઓની ધરપકડ

- text


વેગડવાવ મજૂર મંડળીના બે હોદ્દેદારોની ધરપકડ કરતી પોલીસ :ધરપકડથી બચવા ૫૦ થી વધુ કૌભાંડિયાઓએ આગોતરા જમીન અરજી કર્યાનો ધડાકો

મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવાના નામે સરકારી નાણા હડપ કરી જવાના કૌભાંડમાં ફોજદારી ફરિયાદ નોંધાતા અગાઉ તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિકની ધરપકડ બાદ તપાસનીશ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કામમાં ગેરરીતિ આચરનાર મંડળીના બે હોદ્દેદારોની ધરપકડ કરતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવા અને રીનોવેશનના નામે સરકારના કરોડો રૂપિયા કામગીરી કર્યા વગર જ હડપ કરી જવા પ્રકરણમાં નાની સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર સતીશકુમાર ઉપાધ્યાયની ફરિયાદના પગલે તત્કાલીન ઈજનેર અને હાલ નિવૃત થયેલ અધિકારી કાનાણી અને કન્સલ્ટિંગ એજન્સીના સંચાલકને દબોચી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.

- text

વધુમાં પોલીસે તળાવ ઊંડા ઉતારવાના નામે સરકારી નાણાં હજમ કરી જવા મામલે ૧૨ ગામોમાં સ્થળ તપાસ કરતા વ્યાપક ગેરરીતિ જોવા મળતા આ કામ રાખનાર મજૂર મંડળીઓની સંડોવણી ખુલી પડતા પોલીસે વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ સવજીભાઈ રાઠોડ ઉ.૩૩ અને ગણપતભાઈ ઉર્ફે ગણેશભાઇ મોહનભાઇ રાઠોડ, રે.હળવદની ગઈકાલે સાંજે ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તળાવ કૌભાંડમાં એક પછી એક ધરપકડના દૌર શરૂ થતાં ધરપકડની બીકે ૫૦ થી વધુ કૌભાંડિયાઓ દ્વારા આગોતરા જામીન અરજી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text