મોરબીના સત્ય સાઈ વિદ્યામંદિરની કૃતિની રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી

શાળાના બે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ગટરના પાણીનું શુદ્ધિકરણ પ્રોજેકટને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં મળી સફળતા

મોરબી : મોરબીના સત્ય સાઈ વિદ્યા મંદિરના બે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરેલી કૃતિ ‘ગટરના પાણીનું શુદ્ધિકરણ’ની રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ બન્ને વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

વિદ્યાથીઓની કુશળતા અને કૌશલ્ય વધે તેમજ પ્રોજેક્ટ લક્ષી તેમની રુચિ વધે અને તેઓ કોઈક નવો અભિગમ લઈને પ્રદર્શિત કરે તે હેતુથી વિજ્ઞાનમેળાઓનું શાળાઓમાં આયોજન થતું હોય છે ત્યારે મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ સત્ય સાંઈ વિદ્યા મંદિરના વિદ્યાર્થી મેરજા યશ મનસુખભાઇ – નારણકા તથા ડાભી હાર્દિક -લક્ષ્મીવાસના દ્વારા તાલુકા કક્ષાના ઉમા વિદ્યા સંકુલમાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં ગટર પાણીનો સુદ્ધિકરણ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો હતો. તેઓની આ કૃતિની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.

બાદ જીલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે યોજાયેલ હતો. જેમાં તેઓએ આ કૃતિ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં પણ તેઓની કૃતિને નંબર મળતા હવે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી કરવામાં આવી હતી.આ તકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિદ્યાથીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું હવે આ વિદ્યાથીઓ રાજ્યકક્ષાએ પોતાનું કૌશલ્ય દેખાડશે.