ભાવ વધારા મામલે ગુજરાત ગેસના અધિકારીઓ સાથે વાત પડી ભાંગી : સિરામિક એસોશિએશન લાલઘૂમ

- text


મુખ્યમંત્રીશ્રી આ ગુજરાત ગેસના અધિકારીઓને સીધા કરો : સિરામિક એસોશિએશન ગાંધીનગર ધા નાખશે

મોરબી : દેશને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની સાથે – સાથે સરકારની તિજોરીમાં અબજો રૂપિયાનો ટેક્સ જમા કરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા દાદાગીરી આચરવા જેવું વર્તન કરી મનપડે તેવો ભાવ વધારો ઝીકતા હવે રોષે ભરાયેલ સિરામિક એસોશિએશન દ્વારા આ મામલે રાજ્યના મુખ્ય મંત્રીને સીધી જ ફરિયાદ કરી આ અધિકારીઓને સીધા કરવા માંગ કરી રૂબરૂ રજુઆત માટે સમય માંગ્યો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર એક જ વર્ષમાં ૪૪ ટકા જેટલો ભાવ વધારો ઝીકી દેવાતા આ મામલે મોરબીમાં આજે ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓ સાથે સિરામીક એસોસિએશનોની બેઠક મળી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારોએ ગેસ અંગેના કનડતા પ્રશ્નો રજૂ કર્યા હતા. પરંતુ એક પણ પ્રશ્નનું નિરાકરણ લાવવાની અધિકારીઓએ તૈયારી ન દર્શવતા આ બેઠક નિષ્ફળ રહેવા પામી હતી.

મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ આજે મોરબીમાં ગુજરાત ગેસની કચેરી ખાતે ગુજરાત ગેસના સીઈઓ પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થાન એસોશિએશન તેમજ મોરબી સિરામીક એસોશિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ બેઠકમાં સીરામીક એસોસિએશનોના હોદ્દેદારોએ ગેસમાં ભાવ ધટાડો તેમજ ભાવ વધારામાં સમય પણ ન આપ્યો હોવાની ફરિયાદ અને મેઇન્ટેઈનન્સ અંગે અગાઉ જાણ કરવા સહિતના મુદા રજૂ કર્યા હતા. પરંતુ ગુજરાત ગેસના અધિકારીઓએ એક પણ સમસ્યાનો ઉકેલ લાવવાની તૈયારી ન દર્શાવતા હોદેદારોએ બેઠક અધૂરી છોડી દીધી હતી.

ઉદ્યોગોમાં ડેઈલી બેઝિસ પર ગેસના ચાર્જ લાગતા હોય છે. ત્યારે જો એક દિવસ માટે ગેસ વાપરવામાં ન આવે તો પણ મિનિમમ ચાર્જ લાગી જ જતા હોય છે. ઉપરાંત જે દિવસે લિમિટથી વધુ ગેસ વાપરવામાં આવે ત્યારે વધુ ચાર્જ લાગતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉદ્દભવતો હતો કે ઘણી વખત દિવસમાં લિમિટથી ઓછો ગેસ વપરાતો તો બીજા દિવસે વધુ ગેસ વપરાતા વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હતો.

આ પ્રશ્ન અંગે ગુજરાત ગેસના અધિકારીઓએ એવો નીર્ણય લીધો કે ગેસની ગણતરી માસિક એવરેજ પર થશે. પરંતુ ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી કોઈ નોંધપાત્ર રાહત થઈ શકે એમ નથી. મુખ્ય પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી એસોસિએશનોના હોદેદારો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને આ મામલે રૂબરૂ રજુઆત કરી દાદાગીરી આચરતા ગુજરાત ગેસના અધિકારીઓની શાન ઠેકાણે લાવવાની માંગ સાથે રજુઆત કરનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text