ગેસનો ભાવ વધારો પાછો ખેંચો : કલેકટરને આવેદન પાઠવતું સિરામિક એસોશિએશન

ઉદ્યોગો બંધ થશે : બેરોજગારી વધશે : કાયદો અને વ્યવસ્થા પડી ભાંગશે, દહેશત વ્યક્ત કરતા ઉદ્યોગકારો

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને પડ્યા ઉપર પાટુ મારી ગુજરાત ગેસ કંપની દ્વારા એક જ વર્ષ માં તોતિંગ ભાવ વધારો ઠોકી બેસાડતા આજે મોરબી સિરામિક એસોશિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વ્યથા ઠાલવી હતી.

સિરામિક એસોશિએશન દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉધોગ દ્વારા વપરાતા ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૪૪ ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવેલ છે ૨૦૧૭ માં ટેક્સ સાથે રૂ.૨૭.૮૮ પૈસા થતા હતા જે ૨૦૧૮માં ટેક્સ સાથે નવા ભાવ ૪૦.૨૭ થાય છે.

ગુજરાત ગેસ દ્વારા અચાનક ભાવ વધારો કરી ને મોરબીનો સિરામિક ઉદ્યોગ મૃતપાય થઈ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ કરેલ છે. આ ભાવ વધારા થી મોરબીના ઉદ્યોગકારોના નાણાંકીય વ્યવહારો ખોરવાઇ જશે. અને જીએસટી, ગેસબીલ, પાવરબિલ ભરવામાં મુશ્કેલી પડે તેમ હોવાનું જણાવાયું હતું.

જેથી મોરબી જિલ્લાના સમાહર્તા તરીકે સિરામિક ઉદ્યોગના હિતમાં આવી પરિસ્થિતિમાં ઉદ્યોગો બંધ થવાને આરે છે અને તેને લીધે જિલ્લામાં બેરોજગારી વધશે, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ વણશી શકે તેમ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.

અંતમાં સિરામિક એસોશિએશનની રજૂઆત ધ્યાને લઇ ગેસના ભાવ વધારા બાબતે આપના તરફથી સરકારના ધ્યાન હેઠળ લાવવા અંતમાં ઉદ્યોગકારો દ્વારા માંગણી ઉઠાવવામાં આવી હતી.