મોરબીમાં પૂ.બાપુને યાદ કરી પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ

પ્રભાતફેરીમાં વિશાળ સંખ્યામાં આગેવાનો – વિદ્યાર્થીઓ જોડાયા : ટાઉનહોલમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ : સ્કૂલના બાળકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

મોરબી : રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ અવસરે આજે મોરબીમાં પ્રભાતફેરી અને સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી જેમાં રાજકીય મહાનુભાવો અને વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં જોડાયો હતો

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ અવસરે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારે મોરબીના સરદાર બાગ ખાતેથી પ્રભાતફેરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે મહેશ હોટલ, રામચોક, સિવિલ હોસ્પિટલ ચોક થઈ શાકમાર્કેટ પહોંચી હતી ત્યાંથી નહેરુગેટ ચોક થઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પ્રભાતફેરી પૂર્ણ થઇ હતી જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના મહાનુભાવો જોડાયા હતા.

વધુમાં આ રેલીમાં જે.પી.કન્યા વિદ્યાલય, સ.વ.પ.કન્યા વિદ્યાલય, ઓમશાન્તિ વિદ્યાલયના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ તેમજ કર્મચારીગણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને ત્યાર બાદ મોરબી નગર પાલિકાના ટાઉનહોલ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઇ હતી જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
યુનિક વિદ્યાલય દ્વારા ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ રોડ શો અને સફાઈ અભિયાન યોજાયું
મોરબી : મોરબીની યુનિક સ્કૂલ દ્વારા ગાંધીજીના વિચારો અને ગાંધીજીના જીવન પથ ઉપર ચાલવા અંગે જાગરૂકતા લાવવાના ઉદેશ્ય સાથે રોડ શો યોજવામાં આવ્યો હતો. અને સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતિના અવસરે મોરબીની યુનિક સ્કૂલ દ્વારા સરળ જીવન અને ઉચ્ચ વિચારસરણી પ્રત્યેનો અભિગમ કેળવી સત્યની બાબતમાં જાગૃતિ લાવવા રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છતા, જીવો પ્રત્યે અહિંસા સહિતની બાબતોનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રોડ શો શાળાના પ્રિન્સિપાલ અનોત પટેલ અને ડિરેકટર મહેશભાઈ સાદરિયાના માર્ગદર્શન હેઠળ કરાયું હતુ.