ગુજરાતના મુખ્યમંત્રી ચાવી વગરનું રમકડું : મોરબીમાં પાસની મિટિંગમાં ચાબખા

- text


ગુજરાતમાં ડૂબવા માટે પણ પાણી નથી : પાટીદાર આંદોલનમાં મોરબી – સુરતે લાજ રાખી

(અતુલ જોશી, હિતેશ ઠાકર) મોરબી : મોરબીના બગથળામાં બીજી ઓક્ટોબરે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પૂર્વે આજે અમદાવાદના પાસ કન્વીનર ગોપાલ ઇટાલિયા, ગીતાબેન પટેલ, જયેશ પટેલ સહિતના પાટીદાર નેતાઓએ સભા ગજાવી ભાજપ ઉપર આકરા પ્રહારો કરી મુખ્યમંત્રીને ચાવી વગરનું રમકડું કહી નવાજ્યા હતા તો ખેડૂતોની મુરજાતી મોલાતો મામલે ગુજરાતમાં ડૂબવા માટે પણ પાણી ન હોવાની માર્મિક ટકોર કરી પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોરબી અને સુરતે લાજ બચાવી હોવાનું પાસ અગ્રણીઓએ જણાવ્યું હતું.

મોરબીના બગથળા ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા મુખ્ય ત્રણ માંગણીને લઈને ગાંધી જયંતીના અવસરે ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે. ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આજે રાત્રે પંચાસર રોડ પર રાજનગર ખાતે અમદાવાદ પાસ કન્વીનર ગીતાબેન પટેલ, ગોપાલ ઇટાલિયા અને જયેશ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા પાટીદાર સભાને સંબોધવામાં આવી હતી.

વધુમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ આગામી ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે મોરબીના બગથળા ગામે ઉપવાસ આંદોલન આંદોલન કરનાર છે ત્યારે પાટીદાર અનામત, ખેડૂતોને દેવા માફી અને અલ્પેશ પટેલની જેલમુક્તિ આ ત્રણ માંગણીને લઈને હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે સાથે સાથે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુદ્દો મુખ્ય છે.

- text

પાટીદારોની આ મિટીંગમા ગોપાલ ઈટાલીયા,ગીતા પટેલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે સમાજ માટે કામ કરીએ છીએ માલ બનાવવા વાળા ચાલ્યા ગયા, હવે જે રહ્યા એ સાચું કામ કરે છે, ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કરતા વધુમાં જણાવ્યું હતું કે ડે.સીએમ પ્રવક્તાની ભૂમિકામાં છે અને સીએમ ચાવી વગરનું રમકડું છે.

ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર ગુજરાતના ખેડૂતો પાટીદારોનું દિલ ન જીતે ત્યાં સુધી જીત્યા ન કહેવાય, આપણે હક્કની લડાઈ લડવા નિકળ્યા છીએ, ખેડુતોના દેવા કોઈ પણ સંજોગોમાં માફ થવા જ જોઈએ સહિતના મુદા ઉઠાવતા સભામાં હાજર જનમેદનીમાં ખુશીની લહેર છવાઈ હતી.

દરમિયાન ઉપવાસ આંદોલનની તૈયારીના ભાગરૂપે મોરબીની રાજનગર સોસાયટીમાં પાસની મિટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામા મહીલાઓ બાળકો અને પુરૂષ સહીત પાટીદારો હાજર રહ્યા હતા. પાસની મીટીંગ શરૂ થતાની સાથે જ લાઈટ ચાલી જતા થોડી વાર માટે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. તેમ છતાં પાટીદારો પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખી સભામાં હાજર રહ્યા હતા.

આજની આ મિટિંગમાં મોરબી પાસ કન્વીનર મનોજ પનારા,મનોજ કામરીયા, રાજુ ચાપાણી, ટંકારા કન્વીનર પ્રકાશ પટેલ હાજર રહ્યા હતા. પાસ અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ આંદોલન તાનાશાહીના વિરોધમાં છે. મિટિંગમાં બગથળામાં બીજી તારીખે ઉપવાસ વખતે અંદાજીત ૫૦ હજાર જેટલી મેદની ઉમટી પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

બગથળામાં બીજી ઓક્ટોબરે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સંદર્ભે આગેવાનોએ શું કહ્યું જાણો 

- text