મોરબી જિલ્લામાં તળાવ કૌભાંડમાં ૧૧ કરોડના ચૂકવણા અટકાવાનો આદેશ

- text


નાની સિંચાઈ યોજના કૌભાંડમાં ગાંધીનગરથી આવેલી તપાસ પૂર્વે ૨૦૦થી વધુ કામોના ચુકવણુ કરી દેવાયાનો ધડાકો

મોરબી : મોરબી જિલ્લામાં બહુ ચર્ચિત નાની સિંચાઈ યોજના હેઠળના તળાવો રીપેરીંગના કામોના નામે કરોડો રૂપિયાના કૌભાંડમાં પૂર્વ રાજ્યમંત્રી અને સાંસદસભ્ય દ્વારા તપાસની માંગણી ઉઠાવતા ગાંધીનગરથી તપાસ આવતા મોરબી જિલ્લામાં ૧૦૦ થી વધુ કામોના રૂપિયા ૧૧ કરોડના ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા હોવાનું સતાવાર સૂત્રોએ જાહેર કર્યું છે, જો કે તપાસ આદેશ પૂર્વે ૨૦૦ જેટલા કામના ચૂકવણા થઈ ગયા હોવાનો પણ ધડાકો થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના હળવદ, મોરબી, વાંકાનેર, સહિતના તાલુકાઓમાં નાની સિચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવા, રીપેરીંગ કરવા સહિતના નામે ૨૦ કરોડથી વધુના કામો માત્ર કાગળ ઉપર દેખાડી કૌભાંડ આચરવામા આવતા હળવદ તાલુકાના જાગૃત નાગરિકે સૌ પ્રથમ કૌભાંડનો પર્દાફાશ કરી જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી બાદમાં આ મામલે કોંગ્રેસ અને ત્યાર બાદ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પણ તપાસની માંગણી ઉઠાવતા અંતે રાજ્ય સરકારે તપાસના આદેશ છોડ્યા હતા.

- text

બીજી તરફ નાની સિંચાઈ યોજનામાં તળાવો રીપેરીંગ અને ઊંડા ઉતારવાના નામે આચરવામાં આવેલા કૌભાંડમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો સ્વીકાર કરતા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલમાં ૧૦૬ કામોના ૧૧ કરોડ જેટલી રકમના બિલ અટકાવી દેવામાં આવ્યા છે.

જો કે, ગાંધીનગરથી આવેલી તપાસ પૂર્વે જ મોરબી જિલ્લામાં તળાવ ઊંડા ઉતારવાના નામે થયેલ કામગીરીમાં ૨૦૦ જેટલા કામોના ચૂકવણા કરી નાખવામાં આવ્યા હોવાનું પણ સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text