વાંકાનેરના સિંધાવદર ગામે કૌભાંડીયાઓને રેલો આવતા રાતોરાત તળાવ ના કામો શરૂ

- text


ગાંધીનગરથી તપાસનીશ ટીમ આવ્યાની ખબર પડતાં કામગીરી દેખાડવા રાતો રાત જેસીબી અને ટ્રેકટર દોડવા લાગ્યા

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા બાદ તપાસના આદેશ છુટતા વાંકાનેરના સિંધાવદર ગામે કાસમપરાની પાસે કાગળ પર ઊંડું ઉતરી ગયેલ તળાવની કામગીરી દેખાડવા રાતો – રાત તળાવ ઊંડા ઉતારવા કૌભાંડિયા દોડાદોડ કરવા લાગતા ભારે આશ્ચર્ય વચ્ચે લોકોમાં તરેહ – તરેહની ચર્ચા ઉઠવા પામી છે.

વાંકાનેરના સિંધાવદર ગામે આવેલ તળાવમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત ફાળવેલા રૂપિયાનું અત્યાર સુધી કોઈ જ કામ કરવામાં ન આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું પરંતુ ગાંધીનગરથી છુટેલા આદેશો બાદ મંડળી અને કોન્ટ્રાકટર દ્વારા રાતોરાત તળાવના રિનોવેશનનું કામ બતાવવા પુરતું કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓ સહિત વાંકાનેરમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો સામે આવતા રાજયના મુખ્યમંત્રીએ તપાસના આદેશો છોડયા છે. ત્યારે જળ સંપતિની ટીમ મોરબી જિલ્લાના જુદાજુદા ગામોના તળાવોમાં થયેલ કામોની તપાસ આદરી છે લાખો રૂપિયા ખીસામાં સેરવી લઈ કામ કાગળ પર બતાવી રાતો રાત માલામાલ બની જવાના સપના સેવતા કોન્ટ્રાકટર અને મંડળી સંચાલકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

- text

બીજી તરફ હાલમાં વાંકાનેરના સિંધાવદર ગામે ગાંધીનગરથી રેલો આવ્યા બાદ તળાવનું કહેવા પુરતું કામ હાથ ધરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગાંધીનગરથી ટીમના ધામા બાદ કોન્ટ્રાકટર અને મંડળી સંચાલકોની પોલ છતી ન થાય તે માટે પણ હાલ કામ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. જયારે કોન્ટ્રાકટરો અને મંડળી સંચાલકો પોતાના આકાઓ પાસે ગલુડીયાની માફક આળોટી સમગ્ર બનાવ પર પડદો પાડી દેવા આજીજી કરતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સાથે – સાથે સમગ્ર બનાવમાં ભાજપ અને કોંગ્રેસના ક્યાં નેતાએ કેટલા રૂપિયાનો કદડો કરી લીધો છે તે વાત જગજાહેર છે તો શું આ નેતાઆ સુધી પણ તપાસ પહોંચશે ખરી કે કેમ તેવા સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યા છે.

- text