હળવદ બંધમાં સામાન્ય છમકલાં, આગજની : રેન્જ આઈજી હળવદ પહોંચ્યા

સાંજે બન્ને સમાજના આગેવાનો વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાશે

હળવદ : હળવદમાં બજરંગદળના સંયોજક ઉપર હુમલાની ઘટના બાદ આજે આપવામાં આવેલ હળવદ બંધના એલાન દરમિયાન તોફાની તત્વોએ હળવદની શાંતિ ડહોળવા પ્રયાસ કરી છમકલાં કરી તોડફોડ અને કેટલીક દુકાનોમાં આગ ચાપતા રેન્જ આઈજી સંદીપસિંઘ હળવદ પહોચ્યા છે.જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બપોર બાદ સ્થતિ પર સંપૂર્ણ કાબુ જાળવી રાખ્યો છે. જયારે રેન્જ આઇજીની આગેવાનીમાં બન્ને સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં ગઈકાલે રાત્રીના જંગરીવાસ વિસ્તારમાં બજરંગદળના પ્રાંત સંયોજક ઉપર હીંચકારો હુમલો થતા આજે હળવદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જો કે એકંદરે બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો અને શાળા કોલેજો તેમજ મુખ્ય બજારો સંપૂર્ણ પણે બંધ રહી હતી.

પરંતુ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બેકરી અને દુકાનને નિશાન બનાવી તોડ ફોડ કરી રસ્તા ઉપર ટાયરો સળગાવવાની નાની ઘટનાઓ બની હતી. જો કે જિલ્લા પોલીસે આ હુમલાની ઘટનાની ગંભીરતા પારખી હુમલાખોર ૧૩ જેટલા શખ્સોને ઝડપી લઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેતા હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

દરમિયાન હળવદની હુમલાની ઘટના અને ત્યાર બાદ બંધના એલાન વચ્ચે તોડફોડ અને આગજનીના બનાવને પગલે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ હળવદ દોડી આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી મામલો થાળે પાડવા પ્રયાસો તેજ બનાવ્યા છે. આ ઉપરાંત સાંજે બન્ને સમાજનોના આગેવાનો વચ્ચે શાંતિ જળવાઈ હે તે માટે શાંતિ સમિતિની બેઠક પણ બોલવામાં આવી છે.

જો કે હળવદના લોકો પણ શાંતિ ઈચ્છી રહ્યા છે ત્યારે તોફાની તત્વોએ આ શાંતિમાં પલિતો ચાપવા પ્રયાસ કર્યો હતો પરંતુ બુદ્ધિજીવી પ્રજાજનો અને અગ્રણીઓ દ્વારા સમગ્ર ઘટનાની નીંદા કરી શાંતિ કાયમ રહે તે માટે તમામ સમાજના લોકોને શાંતિ જાળવી રાખે તેવી અપીલ કરી હતી. મોરબી અપડેટ પણ હળવદની શાંત પ્રિય જનતાને શાંતિ જાળવવા અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા નમ્ર અપીલ કરે છે.