પાણીનો પોકાર : મોરબી જિલ્લાના દસ જળાશયમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જથ્થો

- text


મચ્છુ જળાશયમાં ફક્ત ૫૦ દિવસ ચાલે તેટલું જ પાણી

મોરબી : ઓણસાલ અપૂરતા વરસાદને કારણે અત્યારથી જ મોરબી જિલ્લામાં જળ કટોકટીના ભણકારા વાગી ચુક્યા છે, મોરબીને પાણી પૂરું પાડતા મચ્છુ – ૨ ડેમમાં હવે ફક્ત ૨૭૨ એમસીએફટી જેટલો જ જીવંત જળરાશી ઉપલબ્ધ હોય આગામી ૫૦ – ૬૦ દિવસ બાદ મોરબીવાસીઓ માટે નર્મદા યોજના એક માત્ર પાણીનો આધાર રહેશે. મોરબીની પાણીની જરૂરિયાત જોતા સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ૪૦૦ એમસીએફટી પાણી માંગવામાં આવ્યું હતું પરંતુ સરદાર સરોવર ઓથોરિટી દ્વારા ફક્ત ૧૦૫ એમસીએફટી પાણીનો જથ્થો જ ફાળવવામાં આવ્યો હોવાનો ખુલાસો સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે કર્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લા સાથે મેઘરાજાએ રૂસણા લેતા ઓણ સાલ મોરબી જિલ્લામાં સરેરાશ ફક્ત ૧૮૪ મિમી એટલે કે સવા સાત ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે તેમાં પણ માળીયા અને હળવદ તાલુકામાં નામ પૂરતો જ વરસાદ નોંધાયો હોવાથી પીવાના પાણીની સ્થિતિ અત્યારથી જ ચિંતાજનક બની છે. મોરબી શહેર તેમજ જિલ્લાના અનેક ગામોનો પીવાના પાણીનો મુખ્ય દારોમદાર જેના પર છે તેવા મચ્છુ – ૨ યોજનામાં હાલમાં ૨૭૨.૬૮ એમસીએફટી પાણીનો જથ્થો લાઈવસ્ટોકમાં પડ્યો છે જે આગામી ૫૦ દિવસ સુધી જ ચાલી શકે તેમ હોવાનું મોરબી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે જણાવ્યું હતું.

- text

મોરબી શહેરની વસ્તીની જરૂરિયાત પ્રમાણે હાલમાં મચ્છુ જળાશયમાંથી દૈનિક ૫ થી ૬ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને મોરબીની જરૂરિયાત જોતા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ ૪૦૦ એમસીએફટી પાણીનો જથ્થો માંગવામાં આવ્યો હતો પરંતુ નર્મદા ઓથોરિટી દ્વારા ૧૦૫ એમસીએફટી પાણી જ આપવમાં આવતા ભરચોમાસે જ મોરબીમાં અભૂતપૂર્વ જળ કટોકટીના વાદળો ઘેરાઈ ગયા છે.

વધુમાં મોરબી જિલ્લાના સિંચાઈ યોજનના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાના મચ્છુ – ૧, ૨, ૩, ડેમી – ૧,૨,૩ ઘોડાધ્રોઈ, અને બ્રાહ્મણી – ૧ અને ૨ અને બંગાવળી સહિત દશ જળાશયોમાં કુલ ૧૧૦૦૦ એમસીએફટી જળ સંગ્રહ શક્તિની સામે હાલમાં ફક્ત ૧૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે મોરબી જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો હોવા છતાં પાણી સંગ્રહવા માટે દસ જળાશયો સિવાય વધારાના કોઈ વિકલ્પ ન હોય મોરબી જિલ્લો સ્થાનિક જલાસ્રોતોના અભાવે નર્મદા આધારિત અને નિઃસહાય બન્યો છે. જો કે હાલમાં પાણી પુરવઠા બોર્ડ અને સિચાઈ વિભાગ દ્વારા ૧૨૦૦ એમસીએફટી પાણીનો જથ્થો મોરબી જિલ્લાના જુદા – જુદા જળાશયો માટે માંગવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ ભાજપના રાજકારણ વચ્ચે ઓણ સાલ મોરબી જિલ્લાને પાણી માટે ટળવળવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

- text