હળવદ : ફિલ્મ લવરાત્રી પર પ્રતિબંધ મુકવાની બજરંગ દળ અને વિહિપની માંગ

- text


ફિલ્મ લવરાત્રીના નિર્માતા સામે કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદારને આવેદન : સલમાન ખાનના વિરોધમાં સૂત્રોચ્ચાર

હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રીના નામ પર બનેલ ફિલ્મ લવરાત્રી પર સમગ્ર ગુજરાતભરમાં પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને આજરોજ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ફિલ્મ નિર્માતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી અને ફિલ્મ અભિનેતા સલમાન ખાન વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ફિલ્મ લવરાત્રી પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે આવેદનપત્ર આપવા ધસી ગયા હતા. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે,હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા એવા નવરાત્રીના ધાર્મિક તહેવાર પર આ નિર્માણ થયેલ ફિલ્મ લવરાત્રીનું નામ અને આપતીજનક સંવાદો ઉલ્લેખવામાં આવ્યા છે જે ધાર્મિક તહેવારની સાંસ્કૃતિક ઉપર સીધો પ્રહાર છે. શકિત અને ભકિતની ઉપાસનાનો વિકૃત રીતે આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યો છે તેથી આવી ફિલ્મ સમાજના ધાર્મિક તહેવારોને અલગ રીતે રજુ કરી અને ફિલ્મના નિર્માતાઓ કયા પ્રમાણેનો સંદેશ સમાજને દેવા માંગે છે તે સમજાતું નથી તેવું આવેદનપત્રમાં જણાવાયું હતું.

- text

વધુમાં ઉમેર્યું હતું કે, આ ફિલ્મ નવરાત્રીના પવિત્ર દિવસોમાં રીલીઝ કરી અને ધાર્મિક તહેવારની પરંપરાને તોડી સમાજમાં વિઘટન ઉભું થાય તે પ્રકારની માનસિકતા ફિલ્મ નિર્માતા ધરાવે છે જેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે બજરંગ દળના ભાવેશભાઈ ઠક્કર, કાર્તિક ખત્રી, અનિલ ગોસ્વામી, લલીતભાઈ ઠક્કર, કાનાભાઈ રાવલ સહિતના કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે ધસી જઈ ફિલ્મ અભિનેતા સલમાન ખાન વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ મામલતદારને ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text