મોરબીમાં પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલા ફોટા વાઇરલથી વિવાદ

ભાજપ વિરોધી જ છું અને રહીશ : મનોજ પનારા કહે છે પાટીદાર ઉમેદવારને ખેલદિલીથી અભિનંદન આપવા ગયા તો અને ભાજપે આછકલાઈ કરી

મોરબી : મોરબી પાલિકાની પેટાચૂંટણીનો પ્રચાર જોર – શોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મોરબી શહેર અને જિલ્લામાં ખળભળાટ મચી જવાની સાથે તરેહ – તરેહ ની ચર્ચાઓ ઉઠી હતી, જો કે મનોજ પનારાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોતે ભાજપ વિરોધી જ છે અને રહેવાના, ભાજપે મારી ખેલદિલીને ઠેસ પહોંચાડી છે. સામા પક્ષે જિલ્લા ભાજપ રાઘવજીભાઈ ગડારાએ કહ્યું હતું કે મનોજ અમારા ચૂંટણી પ્રચાર સમયે મળ્યા હતા, જો કે ભાજપમાં સતાવાર જોડાયા ન હોવાનું જણાવ્યું હતું.

મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીને કારણે હાલમાં મોરબીનો રાજકીય માહોલ ગરમા ગરમ છે તેવા સમયે જ ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. જો કે,મનોજ પનારાએ આ ઘટનાને ભાજપનું નિમ્ન કક્ષાનું કૃત્ય ગણાવીને વાત કરતી વેળાએ કોઈ મહિલાએ ખેસ પહેરાવીને ફોટા વાયરલ કરી દીધા હોવાનું જણાવ્યું છે.

‘મોરબી અપડેટે’ ઘટના સંદર્ભે મનોજ પનારા સાથે વાતચીત કરી હતી. જેમાં મનોજ પનારાએ જણાવ્યું કે તેઓ રોડ પર જઈ રહ્યા હતા. જ્યા તેઓએ ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત તેમજ જિલ્લા અગ્રણીઓ પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે પાટીદાર સમાજના આગેવાન તરીકે સ્પોર્ટ્સમેન સ્પિરિટના ભાગરૂપે ખેલદિલી પૂર્વક તેઓ ભાજપના ઉમેદવારને અભિનંદન પાઠવવા ગયા હતા પરંતુ આછકલાઈ માં રાચતા ભાજપે આ વેળાએ ફોટા પાડી લઈ પોતાની અસલિયત દેખાડી છે.

વધુમા તેઓએ ઉમેર્યું કે અભિનંદન પાઠવતી વેળાએ તેઓ વાત કરવામાં મશગુલ હતા ત્યારે કોઈ મહિલાએ ગળામાં ખેસ પહેરાવી દીધો હતો. અને બાદમાં ફોટા પાડી વાયરલ કરી દીધા છે. વધુમાં તેઓએ ભાજપ અગ્રણીઓની ઝાટકણી કાઢતા જણાવ્યું કે તેઓ ભાજપ વિરોધી છે. ભાજપમાં જોડાવાની કોઈ વાત જ નથી. વાત ભાજપ સામે લડવાની છે. ભાજપના આગેવાનોએ આ પ્રકારનું કૃત્ય કરીને પોતાનું લેવલ ડાઉન કર્યું છે.

આ ચર્ચાસ્પદ ઘટના અંગે ‘મોરબી અપડેટે’ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે પાસ કન્વીનર મનોજ પનારા પ્રચાર વખતે મળ્યા હતા. તેઓ ભાજપમાં જોડાયા નથી.