ફિલ્મ લગાનની જેમ પાણી માટે ક્રિકેટનો સહારો લેતા મોરબી જિલ્લાના ખેડૂતો..જુઓ વિડિઓ

- text


પાણી વગર ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયેલા ડેમી – ૩ જળાશયમાં વૃદ્ધ ખેડૂતોએ ક્રિકેટ રમી વિરોધ કર્યો

મોરબી : આમીરખાનની ફિલ્મ લગાનમાં ખેડૂતો પર લાદવામાં આવેલ વેરો નાબૂદ કરવા ગ્રામ્ય ખેડુતો અંગ્રેજો સામે ક્રિકેટ રમવાની ચેલેન્જ ઉપાડે છે તેવી જ રીતે મોરબીના ડેમી સિંચાઈ યોજનાના ખેડૂતો એ ભાજપ સરકાર સમક્ષ ડેમને પાણીથી ભરવા માંગણી કરી છે અન્યથા ક્રિકેટની રમત શીખડાવવા વ્યવસ્થા કરવા માર્મિક માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લામાં ડેમી – ૧, ૨ અને ૩ ડેમ હેઠળ આવતા ૨૦ ગામના ખેડૂતો દ્વારા સૌની યોજના મારફતે નર્મદાના પાણીથી ત્રણેય ડેમ ભરવા માંગ ઉઠાવી આંદોલન શરૂ કરાયું છે જેમાં આજે ખેડૂતોએ નવતર પ્રકારનો વિરોધ કરી પાણી વગર ખાલી ખમ્મ ડેમમાં ૨૦ ગામના ખેડૂતો ક્રિકેટ રમ્યા હતા અને ખેડૂત વિરોધી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

- text

વધુમાં ગુજરાત કિશાન સંગઠનના પ્રમુખ જે.કે.પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ઓણ સાલ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જતા ડેમી ૧,૨ અને ૩ યોજના હેઠળ આવતા ખાનપર, નેસડા, આમરણ, ડાયમંડનગર સહિતના જુદા – જુદા ૨૦ ગામના ખેડૂતો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી તમામ ડેમી ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવાની માંગ સાથે ચાલુ કરાયેલ આ આંદોલનમાં અમે ખેડુતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવા અરજ કરી છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આઝાદીકાળથી હરિતક્રાંતિ પાછળ લોહી રેડનાર કિશાનોની હાલત અત્યારે દયનિય છે પાણી વગર ખેડૂતોનો ઉભોમોલ સુકાઈ રહ્યો છે છતાં સરકાર પાણી આપતી નથી.

આ સંજોગોમાં આજે ક્રિકેટ રમી ખેડૂતોએ વિરોધ કરી સરકારને એવો મેસેજ આપ્યો હતો કે કા સરકાર ખેતી માટે પાણી આપે અથવા અમને સ્પષ્ટ કહી દે કે હરિત ક્રાંતિ માટે ખેતીનો નહિ ક્રિકેટ જેવી રમતની જરૂર છે ! જો ક્રિકેટ રમત જરૂરી હોય તો સરકાર ખેડૂતોને ક્રિકેટ શીખવે અને તેના થકી રોજગારી અપાવે તેવી માંગ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

- text