પાણીનો પોકાર : સૌની યોજના હેઠળ જળાશયોમાં પાણી ઠાલવવાની માંગ સાથે ખેડૂતોની લડતનો પ્રારંભ

- text


જ્યા સુધી ડેમી યોજનાના જળાશયો ન ભરાય ત્યાં કોયલી, આમરણ, ડાયમંડનગર, સહિતના ગામોના ખેડૂતો સતત લડત ચાલુ રાખશે

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચતા ખેડૂતોના ઉભા મોલ સુકાઈ રહ્યા છે અને પીવાના પાણીની પણ ખેંચ ઉભી થઇ છે ત્યારે મોરબી જિલ્લાના ડેમી જળાશય હેઠળના ૧૭ ગામોના ખેડૂતો દ્વારા આજથી ડેમી – ૧, ૨ અને ડેમી – ૩ સિંચાઈ યોજનાના ત્રણેય ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના નિરથી ભરવાની માંગણી સાથે ડેમી -૩ ડેમ ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરી જ્યાં સુધી આ તમામ ડેમો નર્મદાના પાણી નહિ ભરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જાહેરાત કરી છે.

દુષ્કાળના ભણકારા વચ્ચે આજથી મોરબી તાલુકાના ડેમી સિંચાઈ યોજના અંતર્ગત આવતા જુદા – જુદા ૧૭ ગામના ખેડૂતો દ્વારા ડેમી – ૩ યોજના નજીક આવેલ મેલડી માતાના મંદિર ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરાયું છે, આજે સવારથી ગુજરાત કિશાન સંગઠનના ઉપ પ્રમુખ લક્ષમણભાઈ આહીરની આગેવાની હેઠળ જુદા-જુદા ૨૦ ગામોના ખેડૂતો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા સ્થળે શાંતિ પૂર્વક સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ડેમોને પાણીથી છલકાવી દેવા માંગ દોહરાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ ડેમી યોજના હેઠળના ગામોના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ડેમી નદી તથા ડેમી – ૧, ડેમી -૨ અને ડેમી – ૩ યોજના હેઠળના જળાશયોમાં સૌની યોજનાના પાણી ઠાલવવા માંગ ઉઠાવી હતી પરંતુ આ રજુઆત પરત્વે સરકારે કોઈ જ પ્રત્યુતર ન આપતા આજથી આ આંદોલન વેગવંતુ બનાવાયું છે.

ગુજરાત કિશાન સંગઠનના ઉપ પ્રમુખ લક્ષમણભાઈના જણાવ્યા મુજબ ડેમી યોજનામાં પાણી ઠાલવવામાં આવેતો લજાઈ, ધ્રુવનગર, નસીત્તપર, રાજપર, ઉમીયાનગર, ચાચાપર, ખાન૫૨,નેસડા રામપર, મહેન્દ્રપુર, ગજડી, રાયગઢ, કૃષ્ણનગર, કાષા-કોયલી, ઘુળકોટ, આમરણ અને બેલા સહિતના ગામોને ખેતીવાડી માટે સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સુવિધા મળી શકે તેમ છે.અને આ મામલે સિંચાઈ વિભાગને પણ રજુઆત કરવામાં આવી હોય ૨૦ ગામોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય લઈ ડેમી નદી તથા તમામ ડેમી જળાશયો પાણીથી ભરવા પુનઃ માંગણી ઉઠાવવામાં આવી હતી.

ધરણા છાવણીથી ખેડૂતોએ પાણી મુદ્દે શરૂ કરવામાં આવેલી આ લડત સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવી તેમની આ શાંતિ પૂર્વકની લડતમાં આવતીકાલથી દરરોજ નવા – નવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી સરકારને જગાડવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

- text