વાંકાનેર : નવા માર્કેટિંગયાર્ડમાં સિક્યુરિટી ગાર્ડને ઊંઘતા રાખી તસ્કરોનો છ ઓફિસમાં હાથ ફેરો

- text


સિક્યુરિટી ગાર્ડ આરામમાં : સીસી ટીવી બંધ, લોખંડના એન્ગલ તોડવાનો અવાજ પણ ન સંભળાયો

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે ખાતે આવેલ નવા માર્કેટિંગયાર્ડમાં વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યામાં અરસામાં તસ્કરો સિક્યુરિટીગાર્ડને ઊંઘતા રાખી માર્કેટિંગયાર્ડના દલાલોની ઓફીસને નિશાન બનાવી નિરાંતે હાથફેરો કરી નાસી છુટયા હતા, જો કે પોલીસ તપાસમાં યાર્ડના સીસી ટીવી કેમેરા બંધ હોવાનો પણ ધડાકો થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે વાંકાનેરના માર્કેટિંગ યાર્ડમાં મહમદી લોકશાળા તરફની સાઈડમાં આવેલી દલાલની છ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા અને પાછળની તરફથી આવી બારીના લોખંડના એંગલ કાઢી અને ઓફિસમાં પ્રવેશ કરી રોકડ રકમનો મોટો હાથફેરો કરી ગયેલ હતા.

વધુમાં આજે સવારે દલાલોએ પોતાની ઓફિસ ખોલતા ચોરી થયાનું માલુમ પડ્યુ હતું જેથી તેઓએ વાંકાનેર શહેર પોલીસને જાણ કરી હતી, આ ઘટનાની જાણ થતા જ વાંકાનેર શહેર પી.આઇ. બી.ટી. વાઢીયા સ્ટાફ સાથે યાર્ડ ખાતે પહોંચીને તપાસ કરી હતી. અને તસ્કરો લોકશાળા તરફ દીવાલ ટપીને નીકળ્યા હોવાના સગડ પણ જોવા મળ્યા હતા.

- text

ચોકવનારી બાબત તો એ છે કે માર્કેટિંગ યાર્ડમાં સીસી ટીવી કેમેરા છે પરંતુ જેમના ફૂટેજ પોલીસ જોવા ગઈ તો આ કેમેરા જ બંધ હોવાનું ભોપાળુ છતું થયું હતું. સૌથી ચોકવનારી બાબત તો એ છે કે વાંકાનેર યાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તો રાખવામાં આવ્યા છે પણ તે કેવી સિક્યુરિટી કરે છે તે આ ચોરીથી ખુલ્લું પડી ગયું છે. ત્રણ કલાક સુધી તસ્કરો યાર્ડમાં રહીને ચોરી કરતા રહ્યા અને એંગલ પણ તોડી નાખી છતાં એન્ગલ કાઢવાનો અવાજ ઠંડા પહોરમાં સિક્યુરિટી ગાર્ડ ને ન સંભળાયો.

આ બાબત પરથી એવું સ્પષ્ટ થાય કે આ સિકયુરિટી ગાર્ડ રાત્રી દરમિયાન આંટા મારવાને બદલી સુઈ જતા હોય છે અને યાર્ડમાં દલાલોની દુકાનો અને વેપારીનો કે ખેડૂતોનો માલ રામ ભરોસે રહેતો હોવાનો ખુલ્લું થયું છે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડના સિક્યુરિટી ગાર્ડ અને સીસી ટીવી કેમેરા બન્ને બાબતે યાર્ડ સતાવાળા નિષ્ફળ રહ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે. વાંકાનેરમાં ટૂંકા ગાળામાં આવી રીતે આ ત્રીજી ચોરીની ઘટના ઘટી છે, હજુ સુધી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા નથી મળી.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text