વાંકાનેર તાલુકામાં નર્મદાના ધાંધિયા સર્જાતા પાણીની વિકટ સમસ્યા

- text


બેફામ પાણી ચોરી વચ્ચે નર્મદાની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતા લોકોને હાલાકી

વાંકાનેર : છેલ્લા દસ દિવસથી વાંકાનેરને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની પાણીની લાઈન રીપેરીંગના બહાને બંધ કરી દેવતા પાણીની કારમી તંગી જેવી પરિસ્થિતિમાં લોકોને બેડા પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વાંકાનેર તાલુકામાં પીવાના પાણી માટે નર્મદાની લાઈન મારફત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણીની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી ફક્ત નર્મદાની લાઇનથી જ પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે જેમાં થાનથી વાંકાનેર સંપે પાણી પહોંચે છે અને ત્યાંથી અલગ – અલગ ગામડાઓમાં પાણી વિતરણ થઇ રહ્યું છે.

પરંતુ થાનથી વાંકાનેર આવતી નર્મદાની પાણીની લાઈનમાં ખેડૂતો અને અન્ય લોકો દ્વારા ભંગાણ કરી પાણી ચોરી આચરી રહ્યા હોઇ વાંકાનેર ને પાણીનો પૂરતો જથ્થો મળતો નથી અને સપ્રમાણ પાણી વિતરણ થઇ શકતું નથી અને ગામડાના લોકો પાણી વગર હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.

- text

હાલમાં છેલ્લા દસ દિવસથી તો નર્મદાનું પાણી સંપમાં ન પહોંચતા તાલુકાના ગામડાઓ પાણી મેળવવા માટે કરગરી રહ્યા છે નર્મદા પાણીની લાઇન રીપેરીંગ માટે પાંચ દિવસ બંધ રાખેલ હોય અને ત્યારબાદ લેવલ જળવાતું ન હોય પાણી વિતરણ બંધ છે તેવું અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ સત્ય તો એ છે કે જો પાંચ દિવસ રીપેરીંગ માટે લાઇન બંધ રાખેલ હોય તો આજે દસ દિવસ વિતવા છતાં એક પણ ગામને પાણી નથી મળી રહ્યું તો કેવું રીપેરીંગ?

આમ પણ જ્યારે જ્યારે પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્ભભવે ત્યારે અધિકારીઓ એક જ ગોખેલો જવાબ આપે છે કે રીપેરીંગના કારણે પાણી બંધ છે જેથી કોઈ બીજો વાદ-વિવાદ ન કરે અને તેમની ભક્તિ ચાલ્યા કરે. આ અગાઉ પણ પાણી પુરવઠા બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી હતી અને પાણી બાબતે મીડિયામાં અહેવાલો આવતા નાછૂટકે તેઓએ પાણી ચોરીના કેસ કરવા પડયા હતા.

છેલ્લા થોડા સમયથી ફરી પાછા અધિકારીઓની મીઠી નજર હેઠળ પીવાની પાણીની લાઇનમાંથી ખેડૂતો પોતાના ખેતરે પાણી પાતાં જોવા મળી રહ્યા છે અને જે પાણી ગામ લોકોને પીવા માટે આપવાનું છે તેને આ લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે.

 

- text