ભાજપ સરકારને ઘેરવા આવતીકાલે મોરબી જિલ્લાના કોંગી અગ્રણીઓ ગાંધીનગરમાં

મોરબી શહેર જિલ્લામાંથી ૨૫૦ થી ૩૦૦ કાર્યકરો ગાંધીનગર જશે

મોરબી : ખેડૂતોના દેવા માફ કરવા, પાકવીમાંનું ખાનગી કરણ બંધ કરવું, પોષણક્ષણ ભાવ આપવા સહિતના જુદા – જુદા પ્રશ્ને આવતીકાલે મંગળવારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને સાંણસામાં લેવા વિધાનસભા ઘેરવા નક્કી કરાયું છે ત્યારે મોરબી શહેર – જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ ગાંધીનગર ઉમટી પડવા આહવાન કર્યું છે.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના જણાવ્યા મુજબ તમામ તબકે નિષ્ફળ ગયેલી ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા આવતીકાલે મંગળવારે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

વધુમાં ખેડુતોના દેવા માફ કરવા, સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવી, ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવા, પાકવીમાનું ખાનગીકરણ બંધ કરવું તેમજ મગફળીકાંડની તટસ્થ તપાસ કરવા સહિતની જુદી – જુદી બાબતો અને ખેડુતોના મુદાને લઈ વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે અને આ વિરોધ પ્રદર્શનમાં મોરબીથી ૨૫૦ થી ૩૦૦ જેટલા આગેવાનો ગાંધીનગર જનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વધુમાં ભાજપ સરકારને ઘેરાવના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લાના કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો, હોદેદોરો અને કાર્યકરોને સત્યાગ્રહ છાવણી,સેકટર નં – ૬ ગાંધીનગર ખાતે સવારે ૯ કલાકે ઉમટી પાડવા અપીલ કરવામાં આવી છે, જો કે અનેક કાર્યકરોએ અત્યારથી જ ગાંધીનગરની વાટ પકડી હોવાનું જાણવા મળ્યું છે.