વાંકાનેરમાં આડેધડ દબાણોને પગલે ટ્રાફિક સમસ્યા વકરી

- text


પાલિકા અને પોલીસની સયુંકત કામગીરીનું સુરસુરીયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આડેધડ ખડકાયેલા દબાણોને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, થોડા સમય પહેલાં વાંકાનેર નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરી એક મહિના સુધી દબાણ હટાવાયા હતા પરંતુ આ દબાણ ફરી પાછા ખડકાઈ જતા ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે.

- text

વાંકાનેર ની વર્તમાન ભૌગોલિક સ્થિતિ મુજબ મોટાભાગની બજારો સાકળી છે અને વાહન વ્યવહાર વધી ગયેલ હોય આ ટ્રાફિક જામનો કોઈ ઉપાય કારગત થતો નથી. આટલું ઓછું હોય તેવામાં વાંકાનેરમાં નવા બંધાતા બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યા કે અન્ય કોઈ જગ્યા મૂકવામાં આવતી ન હોવા છતાં આ બિલ્ડિંગ મંજૂરી આપવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય છે કારણ કે આ નવા બંધાતા બિલ્ડિંગોમાં પાર્કિંગની સગવડતા ન હોવાથી દુકાનદારો અને દુકાને આવતા ગ્રાહકો રોડ પર જ પોતાના વાહનો પાર્ક કરતા હોવાથી રોડ પર દબાણ વધે છે તેમ છતાં આવા બિલ્ડિંગો રેગ્યુલાઇઝ થઈ જાય છે? અંતે હાલાકી તો પબ્લિકને જ પડે છે. ઉપરાંત વાંકાનેરમાં સરકારીઅને પ્રાઇવેટ બેન્કો માં પાર્કિંગની જગ્યા જ ન હોવાથી દિવસ દરમિયાન બેંકોની બહાર મોટરસાયકલોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકજામના પ્રશ્નોને લઇ વાંકાનેર શહેરમાં મોટા વાહનોને નો એન્ટ્રી કરેલ છે જેથી કરી ને એસટી બસને પણ બાયપાસ ચલાવવાનો નિર્ણય લઈ વાંકાનેર થી મોરબી અને ગામડાઓમાં જતી બસો બાયપાસ થઈને ચાલે છે. ત્યારે મુસાફરોને હાઇવે જકાતનાકા પાસે ન છુટકે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે. વિદ્યાર્થીઓને ગામડેથી આવતી બસો બાયપાસ પર ઉતારે છે માટે વિદ્યાર્થીઓને બાયપાસ થી વાંકાનેર હાઇવે સુધી બેથી ત્રણ કિલોમીટર પગપાળા ચાલવું પડે છે અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વાંકાનેર શહેરમાં ગેરકાયદેસર પરિવહન કરતા રેતી અને કપચી ભરેલા ડમ્પરો બજારમાં જોવા મળી રહ્યા છે. આમ વાંકાનેર વાસીઓને ટ્રાફિકજામમાંથી છુટકારો મળે એવા કોઈ નક્કર સંજોગો હાલ દેખાતા નથી ત્યારે સ્થાનિક લોકો ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

 

- text