પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના બંધની મોરબી જિલ્લામાં કેવી અસર રહી, જાણો

- text


મોરબી શહેરમાં સવારે મિશ્ર પ્રતિસાદ બાદ બપોરે 12 વાગ્યે તમામ બજારો ખુલી ગઈ જયારે હળવદ સજ્જડ બંધ : ટંકારા અને વાંકાનેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ

મોરબી : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલા બંધની અસર મોરબી જિલ્લામાં હળવદ સિવાય નહિવત રહી હતી. મોરબી શહેરમાં સવારે મિશ્ર પ્રતિસાદ બાદ બપોરે 12 વાગ્યે તમામ બજારો ખુલી ગઈ હતી. જયારે સવારમાં હળવદ સજ્જડ બંધ રહ્યું છે. જ્યારે ટંકારામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને વાંકાનેરમાં પણ હળવો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે મોરબીની મોટાભાગની ખાનગી શાળા કોલેજો પણ ચાલુ રહી હતી.

કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે મોરબી સહીત જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સવારે બજારોમાં ફરી વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ કરી હતી. આ સમયે કોંગી આગેવાનોની અપીલ દરમ્યાન વેપારીઓએ થોડીવાર તેમની હાજરીમાં દુકાનો બંધ કરી હતી. મોરબી શહેરમાં સવારમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સવારમાં અમુક દુકાનો બંધ જોવા મળી હતી. પરંતુ બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી શહેરની તમામ બજારો રાબેતા મુજબ ધમધમવા લાગી હતી. જયારે આજે કોંગ્રેસના બંધ વચ્ચે મોરબીની ખાનગી શાળા અને કોલેજો ચાલુ રહી હતી.

- text

જયારે જિલ્લાના અન્ય તાલુકામાં જોઈએ તો અમારા પ્રતિનિતિના જણાવ્યા મુજબ હળવદ આજે સવારે સજ્જડ બંધ રહ્યું છે. શાળા કોલેજો થી માંડીને ધંધા રોજગાર આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે બંધ રહ્યા છે. જ્યારે ટંકારામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ટંકારામાં વેપારીઓ બંધમાં જોડાયા હતા. જ્યારે શાક માર્કેટ ખુલી હતી. તેમજ શાળાઓ રાબેતા મુજબ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર આજે સવારે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરદેવસિંહ જાડેજા ની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વાંકાનેર શહેરમાં બંધ કરાવવા નીકળ્યા હતા. કોંગ્રેસનો આગેવાનો બંધ કરાવવા નીકળતા વેપારીઓએ પણ તેઓનું માન જાળવી શટર પાડી દીધા હતા અને પાછળથી દુકાનો ખૂલી જતી હતી લગભગ સમગ્ર શહેરમાં આવું થતું જોવા મળતું હતું. દાણાપીઠ વિસ્તારમાં  બંધની અસર  દેખાતી હતી, કોંગ્રેસના આગેવાનોએ અમરસિંહ હાઈસ્કૂલ ખાતે જઈને અમરસિંહ હાઇસ્કુલ બંધ કરાવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે.

- text