રફાળેશ્વર મંદિરે શનિવારથી અમાસનો બે દિવસિય પૌરાણિક મેળો ભરાશે

સૌરાષ્ટ્રના લાખો શ્રદ્ધાળુઓ પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરશે : શનિવારે આખી રાત ડાયરાની રમઝટ બોલશે : મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇ આયોજનમાં ખાસ તકેદારી : રફાળેશ્વર મેળા માટે ત્રણ દિવસ સ્પેશ્યલ ટ્રેન દોડશે

મોરબી : મોરબી નજીક આવેલા પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે આગામી શનિવારથી શ્રાવણી અમાસનો બે દિવસનો પૌરાણિક મેળો ભરાશે. આ પૌરાણિક મેળામાં જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા મનોરંજનની સાથે લોકોની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ધાર્મિક પરંપરા મુજબ મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લાખો ભાવિકો અહીંના પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરશે.

મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં વર્ષોની પરંપરા મુજબ જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા તા. ૮ને શનિવાર અને તા. ૯ને રવીવારના રોજ શ્રાવણી અમાસ નિમિતે પૌરાણિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૌરાણિક મેળો તા. ૮ને શનિવારથી ખુલ્લો મુકવામાં આવશે. આ મેળા અંગે વિગત આપતા સરપંચ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા અને તલાટી મંત્રી બી.આર.ઝાલાએ જણાવ્યું કે પૌરાણિક મેળામાં વિવિધ સ્ટોલની હરરાજી શુક્રવારે રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૌરાણિક મેળામાં અવનવી રાઈડ્સ, ટોરા-ટોરા, મોતનો કૂવો, અવનવા રમકડાં, ફજેત ફાળકા અને ખાણીપીણીના સ્ટોલ સહિતની મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

વધુમાં જણાવ્યું કે રફાળેશ્વરના પૌરાણિક મેળાનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. તા. ૮ને શનિવારે સાંજે ૫ વાગ્યા આસપાસ મેળો શરૂ થશે. શનિવારની રાત્રે મોરબી અને આસપાસના વિસ્તારના લોકો મેળો માણવા ઉમટી પડશે. આખી રાત ભજન મંડળીઓ ધમધમશે. જો કે સાચો મેળો અમાસના દિવસે તા.૯ના રોજ ભરાશે. અમાસના દિવસે મેળાની ખરી રંગત જામશે. વર્ષોની ધાર્મિક માન્યતા અનુસાર મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લાખો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરના પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરીને ધન્યતા અનુભવશે. સાથે સાથે મેળામાં પણ મનભરીને મોજ માણશે.

તેઓએ ઉમેર્યું કે મેળામાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂ. ૨ કરોડનો મેળાનો વીમો ઉતારવામાં આવ્યો છે. મેળામાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. મેળામાં એમ્બ્યુલન્સ અને ફાયરફાઈટર તૈનાત રાખવામાં આવશે. સાથે મોબાઈલ ટોઇલેટ વિથ બાથરૂમ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. મેળામાં લોકડાયરા સાથે મ્યુઝિકલ પ્રોગ્રામ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળામાં વ્યવસ્થામાં ક્યાંય પણ ઉણપ ન રહે તે માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

રફાળેશ્વર મેળા માટે ત્રણ દિવસ સ્પેશ્યલ ટ્રેન દોડશે

રેલ મંત્રી પીયૂષ ગોયલની પહેલથી પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ મંડળ પર રફાલેશ્વર મેળા દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં લઈ તા. 08 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવે જણાવ્યું કે રફાલેશ્વર ડેમૂ સ્પેશિયલ ટ્રેન તા. 08 થી 10 સપ્ટેમ્બર સુધી બપોરે 14.00 કલાકે, મોરબી થી ઉપડીને 14.04 કલાકે નજરબાગ, 14.13 કલાકે રફાલેશ્વર, 14.23 કલાકે મકનસર 14.31 કલાકે ઘુવા તથા 14.50 કલાકે વાંકાનેર પહોચશે. પરતમાં આ ટ્રેન બપોરે 15.00 કલાકે વાંકાનેર થી ઉપડીને 15.11 કલાકે ઘુવા, 15.19 કલાકે મકનસર, 15.24 કલાકે રફાલેશ્વર તથા 15.37 કલાકે નજરબાગ તથા 15.50 મોરબી પહોંચશે.