મોરબી જિલ્લામાં હાર્દિકના ઉપવાસ મામલે સરકાર સામે વિરોધ વંટોળ

- text


હાર્દિકના સમર્થનમાં અનેક ગામોમાં પાટીદાર આગેવાઓએ કર્યા એક દિવસના ઉપવાસ : ટંકારાના બંગાવડી ગામે મહિલાઓએ થાળી વેલણ વગાડયા

મોરબી : પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને પગલે મોરબી જિલ્લામાં સરકાર સામે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. હાર્દિકના ઉપવાસનો અંત ન આવતા મોરબી જિલ્લાના અનેક ગામોમાં જન્માષ્ટમીના પર્વમાં પણ પાટીદારોએ ઉપાવસ આંદોલન સહિતના કાર્યક્રમો યોજીને હાર્દિકના આંદોલનને ટેકો આપ્યો છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે મોરબી જિલ્લાના અનેક ગામોમાં છેલ્લા ઘણા દિવસથી મોટી સંખ્યમાં પાટીદાર આગેવાનો એક દિવસીય ઉપવાસ આંદોલનો થઈ રહ્યા છે. ઉપરાંત ટંકારા તાલુકાના બંગાવડી ગામે પાટીદાર મહિલાઓએ અનોખો કાર્યક્રમ યોજી રાજ્યસરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. ગામની પાટીદાર મહિલાઓએ થાળી અને વેલણ વગાડીને રાજ્ય સરકાર સામે રોષ વ્યકત કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. તેમજ મોરબી તાલુકા ના નારણકા ગામે હનુમાન મંદિર પાટીદાર સમાજ દ્વારા રામધુન બોલાવી એક દિવસ પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નારણકા,માનસર ગામના પાટીદાર સમાજ ના લોકો જોડાયા હતા આ ઉપરાંત અનેક ગામોમાં પ્રતીક ધારણા યોજાઈ હતા. જેમાં મોરબી તાલુકાના ગાળા, ઘુંટુ, લક્ષ્મીનગર, ધરમપુર, ખેવાળીયા સહિતના ગામોમાં પ્રતીક ધરણા અને રામધૂન યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.

- text

ઉપરાંત ટંકારાના સજનપર, ધુનડા (સ), તેમજ ટંકારાના ચિત્રકૂટ હનુમાનજી મંદિરે આજે પ્રતીક ધરણા અને રામધૂન યોજાઈ હતી. તેમજ ટંકારાના લજાઈ ગામના પાટીદાર આગેવાન ગૌતમભાઈ વામજાએ જિલ્લા કલેક્ટરને હાર્દિકના સમર્થનમાં રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે આગામી ૨૪ કલાકમાં જો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો સુખદ અંત નહીં આવે તો તેઓ પણ તેમના નિવાસ સ્થાને પ્રતીક ઉપવાસ શરૂ કરશે.

- text