વાંકાનેર સરકારી હોસ્પિટલ માંદગીના બિછાને : મેજર ઓપરેશનની તાતી જરૂર

- text


એમ્બ્યુલન્સની સુવિધામાં છીંડા અને સ્ટાફની અછતથી દર્દીઓને હાલાકી : રાજકીય અગ્રણીઓ જાગૃત થઈને સરકારમાં રજુઆત કરે તેવી માંગ

વાંકાનેર : સરકારની વિકાસલક્ષી વાતું અને જાહેરાતોની વચ્ચે જમીની હકીકતમાં લાંબું અંતર જોવા મળી રહ્યું છે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સની સુવિધા બંધ જેવી હાલતમાં છે અને ખાનગી એમ્બ્યુલન્સ માલિકો દર્દીઓને લૂંટી રહ્યા છે સિવિલ હોસ્પિટલ પાસે બે એમ્બ્યુલન્સની વચ્ચે ફક્ત એક જ ડ્રાઇવર છે એ પણ નાઈટ શીપમાં હોય દિવસ દરમિયાન એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ન છૂટકે દર્દીઓને પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે અને તે પણ દર્દીઓની ગરજ મુજબ અલગ અલગ ભાવ લઈ રહ્યા છે બિચારા ગરીબ દર્દીઓ બેબસીથી આ તમાસો જોઈ રહ્યા છે.

છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં રસોઈ બનાવવા વાળું કોઈ ન હોવાથી દર્દીઓને ભોજન પણ નથી મળી રહ્યું. બહારગામથી આવતા દર્દીઓની હાલત દયનીય છે સૌથી મોટી ખાટલેખોટ એ છે કે સિવિલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ ડૉક્ટર છે પરંતુ તેમની સ્પેશિયલ ચેર ન હોવાથી મેજર કામ કરી નથી શકતા અને આ સગવડતાના અભાવ ના લીધે ડેન્ટિસ્ટ ડૉક્ટર ની સુવિધા હોવા છતાં દર્દીઓ આ લાભથી વંચિત છે.

- text

વાંકાનેર સિવિલ હોસ્પિટલ નો સૌથી મોટો ચમત્કાર તો એ છે કે વાંકાનેર ખાતે એક પણ ગાયનેક ડોક્ટર ફરજ બજાવતા નથી તેમ છતાં દર મહિને લગભગ ૧૫૦ જેટલી સફળ ડીલીવરી કરાવવામાં આવે છે ધન્ય છે એ સ્ટાફને કે જેને આ કામગીરી કરવાની નથી છતાં પણ માનવતાની દૃષ્ટિએ સારી કામગીરી કરી રહ્યા છે. સર્જન ની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે દવા અને હોસ્પિટલની અન્ય સામગ્રીઓ નિયમિતપણે ઉપલબ્ધ ન હોય દર્દીઓને ભારે તકલીફ નો સામનો કરવો પડે છે નર્સિંગ સ્ટાફ ની બેડ મુજબ ૩૦ ની જરૂરિયાતની સામે ૧૦ નર્સિંગ સ્ટાફ થી કામગીરી ચલાવવી પડે છે.

સિવિલ હોસ્પિટલમાં રેસીડન્ટ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી અને વહીવટી સ્ટાફની કમીના કારણે હોસ્પિટલનું મેનેજમેન્ટ જળવાતું નથી અને દર્દીઓની સાથોસાથ સ્ટાફને પણ હાલાકી ભોગવવી પડે છે.

સિવિલ હોસ્પિટલના બિલ ચૂકવવા માટે વાંકાનેર થી બિલ બનાવી મોરબી ખાતે મોકલવા પડે છે અને ત્યાં બીલ મંજૂર થયા બાદ જે તે વ્યક્તિઓને ચેક મળે છે પરંતુ મોરબી ખાતે પણ સ્ટાફની કમી હોવાના કારણે છ છ મહિના સુધી કામગીરી થતી ન હોય સમયસર બિલનું પેમેન્ટ ન કરી શકાતું હોય હોસ્પિટલ ને કોઈ વસ્તુ કે માલ આપવા તૈયાર નથી અને ડીઝલના અભાવે એમ્બ્યુલન્સ અને જનરેટર ની સર્વિસ મળતી નથી. ગરીબ દર્દીઓ આવી બધી બાબતોથી સિવિલ હોસ્પિટલ ખાતે મહાવ્યથા અનુભવી રહ્યા છે.

જો બિલિંગ પ્રક્રિયા વાંકાનેર ખાતે જ કરવામાં આવે તો મેનેજમેન્ટની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે. વાંકાનેર ના રાજકીય અગ્રણીઓ આ ગરીબ દર્દીઓની વ્યથા સમજી આ બાબતે યોગ્ય કાર્યવાહી માટે સરકારને ભલામણ કરે તો કંઈ રસ્તો નીકળવાની શક્યતા છે.

- text