હળવદના સુરવદર ગામની પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ પોપડા પડયા

- text


કલાસરૂમની બહાર રક્ષાબંધનની સ્પર્ધા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ પરથી જાનહાની ટળી

હળવદ : હળવદના સુરવદર ગામે આવેલ પ્રાથમિક શાળામાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ શાળાના પટાગણમાં કાર્યક્રમમાં હોય તેવા સમયે શાળાના એક ઓરડાની છત પરથી એકાએક સિમેન્ટના પોપડા પડયા હતા . જોકે સદનશીબે તમામ વિદ્યાર્થીઓ શાળાના પટાગણમાં હોવાથી મોટી જાનહાની ટળી હતી. તો બીજી તરફ શાળાના ઓરડા જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓ ભયના ઓથાળ તળે અભ્યાસ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શાળામાં પોપડા પડવાનો બનાવ બનતા સુરવદર ગ્રામ પંચાયતના સદસ્યએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી સમારકામ કરાવવા માંગ કરી છે.
હળવદ તાલુકાના સુરવદર ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને અવારનવાર શાળાની બહાર પટાગણમાં બેસીને અભ્યાસ કરવું પડતું હોય છે. આ સમગ્ર બાબતની રજુઆત અગાઉ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા શાળાના ર૭૧ વિદ્યાર્થીઓ ભયના ઓથાળ તળે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અધુરામાં પુરૂ આજે શાળાના છત પરથી સિમેન્ટના પોપડા પડતા વિદ્યાર્થીઓ પરથી જાણે ઘાત ટળી હોય તેમ કુદરતી બચાવ થયો હતો. ગામની પ્રાથમિક શાળામાં ૯ કલાસરૂમ આવેલ છે જેમાંથી ત્રણ ઓરડા અતિ જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે દુર્ઘટના બને તેવી ભીતિ સર્જાઈ છે તેવામાં આજે શાળાની છત પરથી સિમેન્ટના પોપડા પડતા તમામ વિદ્યાર્થીઓ બહાર હોવાથી જાનહાળી ટળી હતી. જોકે આ અંગે આચાર્ય દ્વારા અગાઉ રજુઆત કરવામાં આવી હોવા છતાં શિક્ષણ ખાતું જાણે ઉંઘમાં પોઢી રહ્યું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી
વધુમાં આ મામલે ગ્રામ પંચાયતના સદસ્ય જીતેશભાઈ દેવદાન આહિર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યું હતું કે, વરસાદી વાતાવરણ વચ્ચે શાળામાં પોપડા પડતા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે જેથી ગામની પ્રાથમિક શાળામાં વહેલીતકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text

- text