હળવદના રણછોડગઢ ગામની વાડીએ આધેડની કરપીણ હત્યા

ગત મોડી રાત્રે બન્યો બનાવ : આધેડને ચારથી પાંચ કવાડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા પંથકમાં ચકચાર : ડીવાયએસપી બન્નો જાષી, પી.આઈ. એમ.આર.સોલંકી, પી.એસ.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

હળવદ : હળવદના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં મજુરી કામ કરતા આધેડને ગત મોડી રાત્રે કવાડાના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ડીવાયએસપી બન્નો જાષી સહિત હળવદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધી બનાવ સંદર્ભે હળવદ પોલીસે હત્યાની સઘન તપાસ હાથ ધરી છે જયારે મતૃકની લાશને પી.એમ. અર્થે હળવદની સરકારી હોસ્પીટલે ખસેડાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ લક્ષ્મણભાઈ મોહનભાઈ પટેલ (રહે.સમલી)વાળાની વાડીએ મજુરી કામ કરતા આધેડ માવુભાઈ લાલુભાઈ પઢિયાર (રાજપુત) (રહે.ચરાડવા, ઉ. ૬પ)ને ગત મોડી રાત્રીએ કવાડાના ત્રણથી ચાર ઘા મારી મોઢું છુંદી નાખી કરપીણ હત્યા નિપજાવતા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવની જાણ થતા ડીવાયએસપી બન્નો જાષી, પી.આઈ. એમ.આર. સોલંકી, હે.કો. વસંતભાઈ વઘેરા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વાડીમાં રહેલ વિવિધ ઓરડાની તપાસ ચલાવી રહ્યા છે. અને મૃતક આધેડની હત્યામાં વપરાયેલ હથિયારનો કબ્જા લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે હળવદની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.


વધુમાં મળતી વિગતો મુજબ મૃતક માવુભાઈ લાલુભાઈ રણછોડગઢની સીમ વિસ્તારમાં આવેલ લક્ષ્મણભાઈની વાડીએ મજુરી કામ કરતા હતા તે દરમિયાન આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયારે બીજી તરફ જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મજુરીકામ કરતા પ્રરપ્રાંતિય મજુરો પણ સામાન મુકીને રાત્રીના ગુમ થઈ ગયા હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.