પુત્રના મૃત્યુ પાછળ એલસીબીના ૬ પોલીસકર્મીઓનો હાથ હોવાની શંકાએ પિતાની પોલીસમાં અરજી

- text


એલસીબીના સ્ટાફ દ્વારા પુત્રને હેરાન કરવામાં આવતો હોય જેથી પુત્ર ઘરેથી ભાગી ગયો હતો, બાદમાં તેની લાશ દમણથી મળી : પિતાનો આક્ષેપ

મોરબી : પુત્રના મૃત્યુના કેસમાં એલસીબીના ૬ પોલીસકર્મીઓ પર શંકા હોવાની પિતા દ્વારા બી ડિવિઝન પોલીસને અરજી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પિતા દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ પોલીસકર્મીઓ દ્વારા તેના પુત્રને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતો હતો જેથી તેને શહેર છોડ્યું હતું.

મોરબીની સરસ્વતી સોસાયટીમાં રહેતા કિશોરભાઈ સવજીભાઈ પટેલે બી ડિવિઝન પોલીસને કરેલી અરજીમાં જણાવાયું હતું કે તાજેતરમાં તેના પુત્રની દમણ ખાતેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. આ મૃત્યુ પાછળ એલસીબીમાં ફરજ બજાવતા ૬ પોલીસકર્મીઓનો હાથ હોવાની શંકા છે. કારણકે આ પોલીસકર્મીઓ દ્વારા ખોટી રીતે તેમના પુત્રને હેરાન કરવામાં આવતો હતો. જેના કારણે તેને શહેર પણ છોડ્યું હતું.

- text

વધુમાં જણાવ્યું કે આ પોલીસકર્મીઓ દ્વારા અવારનવાર તેમના પુત્રને ધાક ધમકીઓ મળતી હતી. આ મામલે એસીબીના ડાયરેક્ટરને પણ રૂબરૂ ફરિયાદ કરી હતી. તેઓએ કહ્યું કે એસપી પાસેથી રક્ષણ માંગો. જેથી એસપીને રક્ષણ આપવાની અરજી પણ કરી હતી. તેમ છતાં હેરાનગતિ ચાલુ રહેતા પુત્ર ઘરેથી ચાલ્યો ગયો હતો. બે દિવસ વીતી ગયા તેમ છતાં પુત્ર ઘરે પરત ન ફરતા બી ડિવિઝન પોલીસને મૌખિક જાણ કરાઈ હતી. પરંતુ ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે હજુ બે દિવસ રાહ જોવો. બે દિવસ બાદ પુત્ર પરત ન ફરે તો ફરિયાદ નોંધીશું.ત્યાર બાદ પુત્રની લાશ દમણથી મળી. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે.

કિશોરભાઈએ બી ડિવિઝન પોલીસને કરેલીબા અરજીમાં એલસીબીના ૬ પોલીસકર્મીઓનો તેમના પુત્રના મૃત્યુમાં હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. ઉપરાંત તેઓએ આ છ પોલીસકર્મી સામે ગુનો નોંધવાની માંગ પણ કરી છે. આ અરજીથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text