ફિલ્મ રિવ્યુ : ગોલ્ડ (હિન્દી) : રાષ્ટ્રીય રમત હોકીના ઈતિહાસનું સુવર્ણ પાનું

- text


સ્પોર્ટ્સને કેન્દ્રમાં રાખીને બોલીવુડમાં અઢળક ફિલ્મો બની રહી છે પણ દરેક સ્પોર્ટ્સમુવી હોવી જોઈએ એવી થ્રીલર નથી બનતી. અક્ષયકુમારે અભિનય કરેલી ‘ગોલ્ડ’ એક સ્પોર્ટ્સ થ્રીલર છે. આ મુવી હિસ્ટોરિકલ ફેકટ્સ પર આધારિત છે. ભારતે સતત છ વર્ષ ઓલિમ્પિક ગોલ્ડ જે રમતમાં મેળવ્યા છે, એ રમત હોકી અને એનો સુવર્ણયુગ ગોલ્ડમાં કેન્દ્રસ્થાને છે.

વાત મંડાય છે 1936થી. એક દિલધડક ઓલિમ્પિક ફાઈનલ મેચથી ફિલ્મની શરૂઆત થાય છે. ભારત જીતે છે. જર્મની હોમગ્રાઉન્ડ પર હારે છે. જર્મનો પણ ભારતની રમત જોઈ ચીઅરઅપ કરે છે. ભારત એક પરતંત્ર રાષ્ટ્ર હોવાથી ‘બ્રિટીશ ઇન્ડિયા’ને ગોલ્ડ મળે છે અને તિરંગાને બદલે યુનિયનજેક (બ્રિટીશફ્લેગ) હવામાં લહેરાય છે. આ જોઈ ટીમના જુનિયર મેનેજર બંગાલીબાબુ તપન દાસ (અક્ષય કુમાર) ઉકળી ઉઠે છે. ટીમના કેપ્ટન સમ્રાટ (કૃણાલ કપૂર)અને તેઓ એક સપનું જુએ છે, ગોલ્ડ જીતી આઝાદ ભારતના તિરંગાને સૌથી ઉપર પહોંચાડવાનું.

વિશ્વયુદ્ધ ફાટી નીકળતા ઓલિમ્પિક યોજાતા નથી. છેક બાર વર્ષે 1948માં ફરી યોજાવાની જાહેરાત થાય છે. તપન દાસ ફરી આળસ મરડીને બેઠા થાય છે. ટીમ બનાવે છે. 1947 આસપાસનો ભારતના ભાગલાનો સમય વિલન સાબિત થાય છે પણ દેશભક્તિનાં રંગે રંગાયેલા હોકીપ્રેમી માટે બધી જ સમસ્યાઓનું સમાધાન છે. ઈતિહાસનું પાનું ફરી એકવાર આપણી સામે ભજવાય છે. (અલબત, થોડી છૂટછાટ સાથે!) ભારત ઇંગ્લેન્ડ સામે ૨૦૦ વર્ષ ગુલામીનો બદલો ગોલ્ડ જીતીને કેવી રીતે લ્યે છે, તપન દાસ તિરંગાને કેવી રીતે સન્માનિત કરાવે છે, એ તો ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવી જ જશે. હોકી ભારતની રાષ્ટ્રીય રમત શું કામ છે ? – એ ફિલ્મ જોઈને સમજી શકાય છે.

અક્ષયકુમાર ટોઇલેટ-એક પ્રેમ કથા અને પેડમેન પછી પોતાની ઈમેજને વધુ સ્ટ્રોંગ બનાવે છે. બંગાલીબાબુના રોલમાં ખુબ જામે છે. બંગાળીઓની હિન્દી બોલીના કેટલાક ઉચ્ચારણો પ્રયત્નપૂર્વક બોલે છે, પણ ગેટઅપ અને અભિનયમાં તરબતર છે. ‘ચક દે ઇન્ડિયા’ના શાહરૂખ જેવી ડ્રેસિંગ રૂમ સ્પીચ નથી આપતા પણ લાઉડ થયા વિના દેશભક્તિ સાબિત કરે છે. તેમનું કેરેક્ટર બીજા બધા જ કરતા વધુ અસરકારક અને બાઈન્ડીંગ એજન્ટ ટાઇપનું છે. જોકે, બંગાલીબાબુ એક પંજાબી ગીત ગાઈને કોમિક ડાન્સ કરે છે, એ લોજીકલ ન લાગ્યું.

અક્ષયની પત્નીનાં રોલમાં છે, મૌની રોય. અક્ષયની કર્કશા પત્ની (મૌનોબીના દાસ) તરીકે તેની એન્ટ્રી થાય છે. પણ તેણીનો દેશપ્રેમ પણ એટલો જ ગાઢ છે. તેણીએ પોતાના પતિને એકવાર આપેલી સલાહ ઓલિમ્પિક ફાઈનલમાં પણ કામ લાગે છે. ટીવી સ્ટાર તરીકે ‘ક્યુંકી સાંસ ભી કભી બહુ થી’ની ક્રિશ્નાતુલસી તરીકે ખુબ પ્રખ્યાત થયેલી મૌનીનો રોલ આ ફિલ્મમાં ખુબ ટૂંકો છે. ફિલ્મના સપોર્ટીંગ કેરેક્ટરમાં કૃણાલ કપૂર(સમ્રાટ), અમિત સાદ(રઘુવીર સિંઘ), વિનીત કુમાર સિંઘ (ઈમ્તિયાઝ શાહ) અને સન્ની કૌશલ (હિમ્મત સિંઘ) વગેરેએ સારો અભિનય કર્યો છે.

- text

વિશ્વહોકીના ઈતિહાસને રજુ કરતી આ ફિલ્મ ડાયરેક્ટર કરી છે રીમા કાગતીએ. પોતાની હટકે ફિલ્મો જાણીતી આ નિર્દેશીકાએ આ ફિલ્મને મજાની બનાવી છે. સીટની ધાર સાથે ચોંટાડી નાખે એવા મેચ સીન્સ છે, તો ક્યાંક કટાક્ષભર્યા સીન્સ પણ છે. ફિલ્મના સમયને અનુરૂપ ડ્રેસિંગ, ગાડીઓ, ઘર, હેરસ્ટાઇલ, ટેલીફોન, વગેરે પણ ડાયરેક્ટરે સમજીવિચારીને મુક્યા છે. મુંબઈના કેટલાક સીન્સમાં દુકાનો પરના સાઈન બોર્ડ ગુજરાતી ભાષામાં પણ લખીને મુક્યા છે. (ડીટેલીંગ, યુ નો!) ફિલ્મમાં રાડો પાડીને દેશભક્તિ નથી દર્શાવી પણ ફિલ્મમાં ખુબ જ સમજપૂર્વક ધીમે ધીમે દેશભક્તિ મઠારી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે તેણીએ ‘લગાન’માં કામ કર્યું હતું, જેની છાંટ અહી જોવા મળે છે.

૧૨ ઓગસ્ટ,૧૯૪૮ના રોજ લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક હોકી ફાઈનલમાં ભારતે ૪-૦થી બ્રિટનને હરાવીને સ્વતંત્ર ભારતનો પહેલો ગોલ્ડ મેળવ્યો હતો. (ફિલ્મમાં ભારત ૩-૨થી જીતે છે.) એ સમયના ખેલાડીઓના જીવનની કેટલીક સત્યઘટનાઓ પણ ફિલ્મમાં છે. ફિલ્મમાં એક સ્પોર્ટ્સ ફિલ્મમાં હોવું જોઈએ એવું બધું જ છે. ફિલ્મના એડીટીંગમાં થોડી ગડબડ છે. એક બે ગીતો સિવાય મ્યુઝીક ખાસ નથી. વચ્ચે વચ્ચે આવતા બિનજરૂરી ગીતો ફિલ્મની ગ્રીપ ક્યાંક ક્યાંક ઓછી કરે છે અને ફિલ્મને થોડી લાંબી પણ બનાવે છે.

જોવાય કે નહીં?

અક્ષયકુમારના ચાહકો માટે તો ફિલ્મ ગોળના ગાડા જેવી છે. સ્પોર્ટ્સ મુવીના ચાહકોને પણ ગમશે. 15મી ઓગસ્ટે રજુ થયેલી આ ફિલ્મ ભારતની યુવાપેઢી માટે હોકીના ઈતિહાસની ગૌરવવંતી દાસ્તાન રજુ કરે છે. ગોલ્ડ ફિલ્મ ફેમિલી સાથે બેસી જોઈ શકો એવી છે. ‘સૂરમા’એ હોકી બાબતમાં નિરાશ કર્યા એવું તો આ ગોલ્ડ નહિ જ કરે.

ફિલ્મમાં પાકિસ્તાનનાં ખેલાડીઓ પણ બ્રિટન સામે રમતી ભારતની ટીમને ચીઅરઅપ કરે છે, એ ઘટના ફિલ્મ ગોલ્ડને હટકે બનાવે છે. ફિલ્મનો કલાઇમેકસ ક્લાસિક છે અને અંતે આવતું જન…. ગણ… મન…. દરેક થિએટરમાં લોકોને સીટ પરથી ઉભા કરી જ દેશે.

રેટિંગ : 8.00/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટ્સએપ : 9879873873
FB : Master Manan

 

- text