મોરબીના વેપારીને અમૃતસર બોલાવી બંદૂકની અણીએ અપહરણ : પંજાબ પોલીસે છોડાવ્યા

- text


વેપારી સહિતના ૪ લોકોનું અપહરણ કરી રૂ. ૧૫ લાખની ખંડણી માંગી હતી : પંજાબ પોલીસે ૪ ખંડણીખોરોને પકડી બંધકોને મુકત કરાવ્યા

મોરબી : મોરબીમાં કોલસાનું ટ્રેડિંગ કરતા વેપારી તેમના બે મિત્રો અને ડ્રાઈવર સહીત ચાર વ્યક્તિઓને એક ધંધાર્થીએ અમૃતસર બોલાવીને ત્યાં બંદુકની અણીએ અપહરણ કર્યું હતું. બાદમાં મોરબીના વેપારીના પરિવારજનો પાસેથી રૂ. ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી.આ મામલે મોરબી પોલીસને જાણ કરાતા તેને પંજાબ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પંજાબ પોલીસે અપહરણ કરનાર ધંધાર્થી સહિત ૩ શખ્સોને ઝડપી લઈને ચારેય બંધકોને મુક્ત કરાવ્યા હતા.

મોરબીમાં કોલસાનો વેપાર કરતા મીનલભાઈ પંજાબમાં લવદીપસિંહને કોલસો સપ્લાય કરતા હતા. ઇંટોના ભટ્ઠા ચલાવતા લવદીપસિંહે ૨૦૦ ટન કોલસાનો ઓર્ડર આપી ૧૫ લાખ એડવાન્સમાં મોકલાવી દીધા હતા. ત્યારબાદ લવદીપસિંહે મીનલકુમારને વધુ કોલસાનો જથ્થો જોઈતો હોવાનું જણાવી રૂબરૂ મીટીંગ માટે બોલાવ્યા હતા. ત્યારે મીનલકુમાર તેમના તેમના મિત્ર દિપક તથા બીપીન અને ડ્રાઈવર મણીલાલ સાથે અમૃતસર પહોચ્યા હતા.

- text

જ્યાં લવદીપસિંહે તેના બે સાગરીતો સાથે મળી ગન બતાવી ત્રણેયને અમૃતસર નજીક આવેલા પોતાના ગામ સારંગવાલ લઇ ગયો. જ્યાં મીનલ સહીત ચારેયના હાથ પગ બાંધીને માર માર્યો હતો અને મીનલને પોતાના પરિવારજનોને ફોન કરીને તાત્કાલિક પંદર લાખ મોકલવા જણાવ્યું હતું નહીતર પેટ્રોલ છાંટીને ચારેયને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.મીનલનો આ રીતે ફોન આવતા મોરબી રહેલા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા.

બીજી તરફ વારંવાર આ રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માટેના ફોન આવતા તેમણે મોરબી એલસીબીને જણાવ્યું હતું. મોરબી પોલીસે અપહરણકર્તાનો આઈસીઆઈસીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર ચેક કરાવતા લવદીપસિંહની વિગતો મળી હતી. આ વિગતો મોરબી પોલીસે અમૃતસર પોલીસને મોકલી આપતા અમૃતસરના એએસપી પરમપાલસિંહે ટીમ મોકલી ચારેય બંધકોને છોડાવ્યા હતા અને લવદીપસિંહ અને તેના બે સાગરીતોને દબોચી લીધા હતા.

- text