મને કોંગ્રેસનો સભ્ય ન ગણતા હોય તો સારું..બીજું શું : વાઘજીભાઈ બોડા

વાઘજીભાઈ કહે છે અત્યાર સુધી ટંકારા તાલુકાના પ્રદેશ ડેલીગેટ તરીકે મેસેજ આવતા

મોરબી : મગફળી કૌભાંડ બાદ નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ પ્રમુખે વાઘજીભાઈ કોંગ્રેસમાં ન હોવાનો ખુલાસો કરતા વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પર કટાક્ષ કરી કહ્યું હતું કે અત્યાર સુધી મને નિયમિત પણે ટંકારા તાલુકાના ડેલીગેટ્સ તરીકે મેસેજ મળતા હતા, એ કદાચ કોંગ્રેસ ભૂલથી મોકલતી હશે ! અને જો હું એનો સભ્ય ન હોય તો સારું ભલું થયું ને ભાંગી ઝંઝાળ !

સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણને હચ મચાવનાર મગફળી કૌભાંડ મામલે ભાજપ – કોંગ્રેસ વચ્ચે એક બીજાને દોષના ટોપલા ઓઢાડવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે ટંકારાના પીઢ કોંગ્રેસી નેતા અને ટંકારા તાલુકાના પ્રદેશ ડેલીગેટ વાઘજીભાઈ બોડાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કોંગ્રેસ પર પ્રહાર બાદ રાજીનામુ ધરી દીધું હતું.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા વાઘજીભાઈના રાજીનામાં અંગે વિચિત્ર પ્રતિક્રિયા આપી વાઘજીભાઈ કોંગ્રેસના કોઈ હોદા ઉપર ન હોવાનું જણાવતા આજે વાઘજીભાઈએ ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે મને અત્યાર સુધી ટંકારા તાલુકાના પ્રદેશ ડેલીગેટ તરીકે મેસેજ મોકલવામાં આવતા હતા અને મેં મારું રાજીનામુ પણ ઇ મેઈલ કરીને મોકલ્યું હતું કારણ કે આજ નો જમાનો ઝડપી અને ઈન્ટરનેટનો હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

વધુમાં કોંગ્રેસ પક્ષના સતાવાર નિવેદનનો પ્રત્યુતર આપતા વાઘજીભાઈએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ મને ન સ્વીકારતી હોય તો મને કાઈ ફરક પડતો નથી, ભલું થયું ભાંગી ઝંઝાળ ઉક્તિ કહી વાઘજીભાઈએ કહ્યું કે મારે ક્યાંય મત માંગવા જવો નથી.

વધુમાં તેમને ઉમેર્યું કે હું નાફેડ સાથે જોડાયેલો છું જેથી તમામ પક્ષ સાથે મારે સુમેળ ભર્યા સંબંધો છે, અને રહેશે પણ અને રહી વાત કોંગ્રેસ સાથે સંબંધની તો મારે ક્યાંય હવે ચૂંટણી લાડવી નથી અને કોંગ્રેસ મને ન ગણતી હોય તો પણ હું રાજી છું, હું બધા સાથે સંબંધ રાખું છું એ રાખે કે ન રાખે, એ લોકો અત્યાર સુધી ભૂલથી સંદેશા મોકલાવતા હતા.

હું મારો પોતાનો જ પક્ષ ! મારે કોઈ પક્ષની જરૂર નથી

વાઘજીભાઈ બોડાએ આજે કોંગ્રેસને જવાબ આપતા જણાવ્યું હતું કે મારે કોઈ પક્ષના બેનરની જરૂર નથી, હું જ્યાં ઉભો રહું એ જ મારો પક્ષ, મારે ખેડૂતોના હિતમાં સહકારી પ્રવૃત્તિ કરવા મારે પક્ષની જરૂર નથી, બધા પક્ષ સાથે મારે સંબંધ છે કોઈ સંબંધ રાખજે કે ન રાખે મને એનાથી કોઈ ફરક પડતો નથી તેવું અંતમાં તેમણે દોહરાવ્યું હતું.