મચ્છુ હોનારતે મારી નજર સામે જ મારા વ્હાલસોયા પુત્રનો ભોગ લીધો : વ્યથા વ્યક્ત કરતા એક પિતા

- text


વીસી હાઇસ્કુલના નિવૃત શિક્ષકની નજર સામે જ તેનો પુત્ર પાણીના વહેણમાં તણાયો હતો : પતિ પત્ની આજે પણ એ બિહામણા દ્રશ્યો ભૂલી નથી શક્યા

મોરબી : મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ સર્જાયેલી મચ્છુ હોનારતની દુર્ઘટનાએ અનેક લોકોના જીવ લીધા હતા. હજારો લોકોએ આ હોનારતમાં પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા હતા. આવી જ રીતે એક પિતાએ પણ પોતાની નજર સામે એકનો એક પુત્ર ગુમાવ્યો હતો. આજે પણ એ પિતા ભારે હૈયે પોતાની એ દસ્તાનનું વર્ણન કરે છે ત્યારે તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે.

મોરબીમાં મચ્છુ હોનારતે એવી તબાહી મચાવી હતી કે તેને નજરે જોનારાને જ્યારે પણ એ બિહામણા દ્રશ્યો યાદ આવે છે ત્યારે કાળજા કંપી જાય છે. મચ્છુ જળ પ્રલયએ મોરબી શહેરને પળભરમાજ સ્મશાન બનાવી નાખ્યું હતું. આ દુર્ઘટનામાં હજારો લોકો મોતને ભેટયા હતા. ત્યારે અત્યંત કરુણ દ્રશ્યો તો ત્યારે સર્જાયા હતા જ્યારે નજર સામે જ પોતાના પરિવારના સભ્યોનો ભોગ લેવાઈ રહ્યો હતો.મોરબીની વીસી હાઈસ્કૂલના નિવૃત શિક્ષક પી.એમ.નગવાડિયા સાથે પણ કંઈક આવો જ બનાવ બન્યો હતો.

મોરબીની વીસી હાઈસ્કૂલમાં અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા પી.એમ.નગવાડિયાના એક નો એક પુત્રનો મચ્છુ હોનારતે જીવ લીધો હતો. પી.એમ નગવાડિયાએ એ કાળા દિવસ વિશે ભારે હૈયે જણાવ્યું કે વરસાદ ખૂબ પડ્યો હતો. પાણી ભરાયા હતા. ત્યારે તેનો એક ને એક પુત્ર નદી જોવા માટે પુલ પર ગયો હતો. ત્યાંથી તે પરત આવવા નીકળી ગયો હતો. ત્યારે તે અમારી શેરી સુધી તો પહોંચી ગયો હતો. ત્યાં અચાનક પાણીની સપાટી વધવા લાગી હતી. જેથી તે અમારા ઘરની સામે એક દુકાનના ઓટલા પર ઉભો રહી ગયો હતો. જોત જોતામાં પાણીની સપાટી ૭ થી ૮ ફૂટે પહોંચી હતી.

- text

પાણીનું સ્તર એકાએક વધી જતાં તેને પણ દુકાનના ઓટલા પર ઉભા રહીને દિવાલનો નકુચો પકડી રાખ્યો હતો. આ તમામ દ્રશ્યો અમે અમારી અગાસીએથી જોઈ શકતા હતા. ત્યારે સામેથી અમારો પુત્ર પણ પોતે સલામત હોવાની બુમો પાડતો હતો. ત્યારે અચાનક જ એક મસમોટું પાણીનું વહેણ આવ્યું ને અમારા વહાલસોયા દીકરાને તાણી ગયું. ત્યારે મારો ભાઇ રતિલાલ કે જે સારો તરવૈયો હતો. તેને પળભર પર વિચાર કર્યા વગર ભત્રીજાને બચાવવા માટે સીધો પાણીમાં કૂદકો મારી દીધો હતો.

શેરીનું આ પાણી બે જગ્યામાં વહેંચાઈ જતું હતું. પાણીનું એક મોટું વહેણ મહેન્દ્રપરા તરફ તો બીજું વહેણ સ્ટેશન રોડ તરફ જતું હતું. ત્યારે રતિલાલે મહેન્દ્રપરા બાજુ ભત્રીજાની શોધખોળ ચલાવી હતી. પરંતુ તેનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. તેમ છતાં અમે દીકરો જીવતો હશે તેવી આશ લઈને બેઠા હતા. પરંતુ જ્યારે બીજા દિવસે પુત્રનો મૃતદેહ સ્ટેશન રોડ પરથી મળ્યો ત્યારે પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આમ એક નિવૃત શિક્ષકે મચ્છુ હોનારતમાં પોતાની નજર સમક્ષ જ દીકરો ગુમાવ્યો હતો. આ તો માત્ર એક જ દાખલો છે. આવી રીતે હજારો લોકોએ પોતાનાઓને ગુમાવ્યા છે. આ હોનારતને નજરે જોનારા આજે પણ એ બિહામણા દ્રશ્યોને યાદ કરવાનું ટાળે છે. કારણકે આ હોનારતે મોતનુ તાંડવ રચ્યું હતું. આજે પણ તેની ભયાનકતા ભલભલાની કંપારી છુટાવી દયે છે.

 

- text