મચ્છુ હોનારતની ૩૯મી વરસી : ઓમવીવીઆઈના વિદ્યાર્થીઓને જળપ્રલયની જાણકારી અપાઈ

- text


મોરબીના સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરાએ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી ગોઝારી ઘટના અંગે તલસ્પર્શી માહિતી આપી

મોરબી : ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ નો ગોઝારો કાળમુખો દિવસ મોરબીની પ્રજા ક્યારેય નહીં ભૂલી શકે, વિશ્વની સૌથી મોટી જળ હોનારત તરીકે જેની ગણના કરી છે તેવી મચ્છુ જળ હોનારતને ૩૯ વરસ પૂર્ણ થયા છે છતાં પણ મોરબીવાસીઓ આ ગોઝારા દિવસ હજુ હમણાં જ વિત્યો હોવાનું માની રહ્યા છે, ૩૯ વર્ષ પૂર્વે મોરબીને તાણી જનાર આ દુર્ઘટના વિશે આજની પેઢીને માહિતી મળી શકે તેવા હેતુથી ઓમવીવીઆઈ શૈક્ષણિક સંકુલ મોરબી ખાતે વિદ્યાર્થીઓને સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરાએ બનાવેલી ફિલ્મ બતાવી ઘટનાનો તલસ્પર્શી ચિતાર પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે ગુજરાતમાં દસ દિવસના એકધારા વરસાદ બાદ મોરબીનો ચાર કિલોમીટર લાંબો મચ્છુ – ૨ બંધના માટીના પાળા તૂટી જતા જળાશયમાંથી છૂટેલા ઘોડાપૂરે નીચાણ શહેર અને આસપાસના અનેક ગામડાઓમાં ભયંકર તારાજી સર્જી હતી, મચ્છુ જળ હોનારતની ઘટના અંગે આવનારી પેઢીને જરૂરી માહિતી મળી શકે તેવા હેતુ થી મોરબીના પત્રકાર દિલીપ બરાસરા અને અમદાવાદના હર્ષદ ગોહિલ અને દિલીપ ક્ષત્રિયએ આ ઘટના ઉપરની પ્રથમ અને એકમાત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મ “મચ્છુનાં પાણીની ખુવારી અને ખુમારી” બનાવી છે.

- text

મચ્છુ જળ હોનારતનો તાદ્રશ્ય ચિતાર આપતી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ મોરબીના ઓમવીવીઆઈએમ શૈક્ષણિક સંકુલના ધોરણ ૮, ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને બતાવવામાં આવતા વિદ્યાર્થીઓ પણ 39 વર્ષ પૂર્વેની આ ઘટના વિશે તલસ્પર્શી માહિતી મેળવી ગોઝારી ઘટનાથી વાકેફ થયા હતા.

ડોક્યુમેન્ટરી ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવ્યા બાદ મોરબીના સિનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાએ બાળકો સાથે ઇન્ટરેકશન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ફિલ્મ કેવી રીતે બનાવી દ્રશ્યોનું ફિલ્માંકન કેવી રીતે કરાયું તેમજ આ જળપ્રલયમાં થયેલી ખુવારીની જાણકારી મેળવી વિવિધ સવાલો કર્યા હતા અને સંતોષકારક જવાબો મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી ૧૧ ઓગષ્ટના રોજ મચ્છુ જળહોનારતની ૪૦ મી વરસીએ નવયુગ વિદ્યાલયમાં પણ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બાળકોને બતાવી સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરા બાળકોને આ દુર્ઘટના અંગે જાણકારી આપશે.

- text