હળવદમાં વધુ એક ચકચારી અનાજ કૌભાંડ : રેશનીંગ દુકાન કરાઈ સીઝ

- text


જિલ્લા પુરવઠા અધિકારીની આક્રમક્ર કાર્યવાહીથી રેશનીંગની દુકાનોમાં કાળા બજારી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ

હળવદ : હળવદ પંથકમાં ચકચાર જગાવનાર રાશન કૌભાંડમાં રોજ રોજ નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રીના જિલ્લા પુરવઠા અધિકારીને મળેલ બાતમીના આધારે હળવદની જલારામ જનરલ પ્રોવિઝન સ્ટોરના પાછળના ગોડાઉનમાં દરોડો પાડતા પ૦ કિલો રાશનના ચોખાનું કટુ મળી આવતા કાળા બજારીઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે અને બાજુની દુકાનનું ગોડાઉન શંકાસ્પદ જણાતા તેને સીલ કરાયું છે.

- text

જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટની આક્રમક્ર કાર્યવાહીથી રેશનીંગની દુકાનોમાં બે નંબરી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ અને હળવદ મામલતદાર વી.કે.સોલંકી દ્વારા તપાસ હાથ ધરાતા હળવદની જે જગ્યાએથી ચોખાનું કટુ મળી આવ્યું તે નયનભાઈ ઠક્કર પોતે નવા ઈશનપુર ગામે રાશનની દુકાન ધરાવતા હોવાનું ખુલતા અધિકારીઓ દ્વારા મધરાત્રીના તાલુકાના નવા ઈશનપુર ગામે રાશનની દુકાનમાં દરોડો પાડતા ખુલ્લામાં પડેલ ચાર બેરલ કેરોસીન, ૧પ૦ કિલો ખાંડ, ૧૯ કટા ચોખા તેમજ ૪૭ કટા ઘઉંના મળી આવતા જે તમામ હાલ સીઝ કરાયા છે. જયારે બીજી તરફ રાશનધારક દુકાનદારે છેલ્લા ત્રણ મહિનાથી રેશનીંગનું વિતરણ ન કર્યું હોવાનું સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી લાલધુમ થયા છે. જયારે વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દમયંબેન બારોટે જણાવ્યું હતું કે, ગરીબ લોકોને અપાતું સસ્તુ અનાજ તેના કોળીયા સુધી પહોંચવાના બદલે આવા કાળા બજારીઓ ચાંઉ કરી જાય છે તે ખરેખર શરમજનક બાબત છે. વધુમાં શ્રી બારોટે ઉમેર્યું હતું કે, અનાજ કૌભાંડના સમગ્ર બનાવની તપાસમાં કોઈપણની શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે.

- text