ફિલ્મ રિવ્યુ : કારવાં (હિન્દી) : જ્યારે તમે જ તમારી ખોજમાં નીકળી પડો..

- text


જિંદગી એક પ્રવાસ છે, ક્યારેક બાહ્ય તો ક્યારેક આંતરિક. આ પ્રવાસમાં જે મજા છે, એ મંઝિલે પહોંચવામાં પણ કદાચ નથી. પરિસ્થિતિનો શિકાર બનેલો નાયક જાત સાથે લડે, અણધારી પરિસ્થિતિમાં પોતાની જાત અજમાવે અને અંદરથી કશુંક નવું જ મળે, આ કથાનક આમતો, અનેક ફિલ્મો અને પુસ્તકોમાં આપણે જોઇવાંચી ચુક્યા છીએ. પણ ‘કારવાં’આ બધામાં જુદી પડે છે.

મજરૂહ સુલ્તાનપુરીની પંક્તિ ‘મૈં તો અકેલા હી ચલા થા, જાનીબ-એ-મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયાં’ ફિલ્મમાં જાણે બીટવીન ધ સીન્સ આપણને યાદ આવ્યે રાખે, ક્યારેક તો વેન પર લખેલી દેખાઈ પણ આવે.

અવિનાશ ફિલ્મનો એવો નાયક છે, જેને ફોટોગ્રાફર બનવું હતું, પણ પપ્પાના હઠાગ્રહને લીધે એક આઈ.ટી. કંપનીમાં જોબ કરવી પડી. તેને આર્ટ્સ ભણવું હતું, પણ તેના પિતાએ સોફ્ટવેર એન્જિનિયર બનાવ્યો. અવિનાશ પિતાથી અને જિંદગીથી ખૂબ જ નાખુશ છે. કાયમ સ્ટ્રેસડ જ રહે છે. પિતા સાથે બોલતો પણ નથી. એકદિવસ એને ફોન આવે છે. એના પિતા યાત્રા એ ગયા હોય છે, ત્યાં તેમની બસનું એક્સિડન્ટ થવાથી તેઓ મૃત્યુ પામે છે. ટ્રાવેલ એજન્સી ડેડબોડી મોકલાવે છે, પણ તે એક્સચેન્જ થઇ જાય છે. પોતાના પિતાની ડેડબોડી લેવા માટે અવિનાશ બેંગ્લોરથી કોચી જાય છે, સાથે તેનો મિત્ર શૌકત જોડાય છે અને શરૂ થાય છે, કારવાં.

 

ફિલ્મ એકદમ હળવીફુલ છે. વચ્ચે કોઈ સીનમાં વ્હોટ્સએપ ચેક કરી લો, તો ચાલેય ખરું પણ ફિલ્મમાં ડાર્ક હ્યુમર છે. કેટલાક સીન્સમાં આપણે ઇમોશનલ થતાંમાં સ્હેજ રહી જવાય એવાં છે, તો કોમિક ટાઇમિંગ જડબાતોડ હાસ્ય પણ અપાવે એવું છે. ફિલ્મના બે પુરુષપાત્રો એકબીજાથી તદ્દન ભિન્ન બતાવ્યાં છે. અવિનાશના રોલમાં મલયાલમ અભિનેતા દુલકર સલમાન છે. એ જેટલો જિંદગીને કોસે છે, ઈરફાન એટલો જ જિંદગીને જીવે છે! દરેક પરિસ્થિતિમાં કૂલ રહેતો ઇરફાન પણ કશુંક દર્દ દિલમાં છુપાવીને બેઠો છે.
બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન અભિનયનો જાદુગર છે, એ ફરી એકવાર એણે સાબિત કર્યું છે. ફિલ્મમાં તેના દરેક સીન લાજવાબ છે.

- text

ફિલ્મમાં મીઠી મરાઠન મિથિલા પારકર મલયાલી છોકરી તાન્યાના રોલમાં છે. ફિલ્મમાં તેણીએ આજની યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણી એકદમ બિન્ધાસ્ત છે. સિગરેટ પીવે છે, સેક્સ કરે છે. કોઈ એને જજ કરે એ ગમતું નથી, પોતાની પસંદગીને પોતાની સ્થિતિ માટે જવાબદાર માને છે. પોતાની નાનીના મૃત્યુના સમાચાર પણ પાર્ટી કરવામાં ભૂલી જાય છે. અવિનાશની વાતો તેણીને લેકચર લાગે છે. અવિનાશ સાથેનું તેણીનું બોન્ડિંગ અવિનાશને ઘણાં સમયે હસતો કરે છે.

ફિલ્મ ડાયરેક્ટર આકર્ષ ખુરાનાએ કેટલાક સીન્સમાં ખૂબ જ સુક્ષ્મ હાસ્ય રજુ કર્યું છે. ફિલ્મમાં ક્યાંક લોજિકલી ગાબડાં દેખાય છે, પણ એમણે પાત્રો પાસેથી અદ્ભૂત કામ લીધું છે. દરેક પાત્રની પોતાની ખુશી છે, પેશન છે અને દરેકની જુદી વાસ્તવિકતા છે. લીફ્ટવાળા સીનમાં જે રીતે અવિનાશનું ઇનોશન્સ ઝીલ્યું છે, કાબિલ-એ-દાદ! ફિલ્મમાં આપણને એમ લાગે છે, કાંઈ આગળ વધતું નથી, તેમ છતાં ફિલ્મ આપણી અંદર તો આગળ વધતી હોય છે! ફિલ્મનો અંત ખૂબ પોઝીટીવ છે.

ફિલ્મમાં સાઉથ ઇન્ડિયાની સફર છે. રોડટ્રિપ મૂવીમાં હોય તેવા તમામ એલિમેન્ટ્સ ફિલ્મમાં મૌજુદ છે. મંઝિલ સુધીના રસ્તામાં આવતાં ફેરફારો, પાત્રોનું ઈમોશનલ એટેચમેન્ટ, લવ એટ ફર્સ્ટ સાઇટ, દુશ્મનો સાથે ભીડંત, ફિલસુફી સમજાવતાં વાક્યો…. જાણે જિંદગીને એક રૂપક આપ્યું હોય, એમ આ સફરની સાથે સાથે આપણે પાત્રોની સાથે આંતરખોજ કરીએ છીએ, પાત્રોની અને આપણી જાતની પણ.

જોવાય કે નહીં?
ફિલ્મમાં કોઈ ટ્વિસ્ટ્સ નથી, સીધી સિમ્પલ સ્ટોરી છે. ઇરફાન ખાનનો અભિનય અને સાઉથના લોકેશન્સ ફિલ્મને એક ઉંચાઈ આપે છે. ફિલ્મમાં બદલતી જનરેશન્સ અને તેઓની પીઢ થવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે. આ બોલિવુડિયા તડકભડક મૂવી નથી, શાંત અને ઉષ્માદાયક રીફ્રેશિંગ મુવી છે.

કારવાં ફિલ્મ પોતાના પ્રવાહમાં ભેળવી નાખે એવી સોફ્ટ છે. ફિલ્મમાં માણવાલાયક ઘણું બધું મળી આવે એમ છે. ફિલ્મની ટિકિટ એ તમારી જાત ભણીની જાતરાની ટિકિટ છે.

રેટિંગ : 7.25/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટ્સએપ : 9879873873
FB : Master Manan

 

- text